રાજકોટ : પોલીસ પર વધુ એક ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. જેમાં એક સોની વેપારીને પોલીસે જમીનના કેસમાં સમાધાન બાદ વ્યાજનો ગુનો ન નોંધવા માટે રૂપિયા 7 લાખથી વધુની રકમનો તોડી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મામલે સોની વેપારીએ CCTV વિડીયો જાહેર કર્યો છે. જેમાં પોલીસ કર્મી વેપારી પાસેથી પૈસા લેતા હોવાનું જોવા મળી રહ્યું છે. જોકે આ વખતે રાજકોટના કુવાડવા પોલીસ મથકના પોલીસ કર્મીઓ દ્વારા આ પ્રકારનું કાંડ કરવામાં આવ્યું હોવાનું આક્ષેપ સોની વેપારી દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે આ સમગ્ર ઘટનાના CCTV વિડીયો હાલ સામે આવતા રાજકોટ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
શું છે સમગ્ર મામલો : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, રાજકોટના સોની બજારમાં સોનાનો વેપાર કરતાં ગિરીશ મનસુખભાઈ પરમારે વર્ષ 2012માં કુવાડવા રોડ પર છ એકર જેટલી જમીન શંભુભાઈ તાલપરા પાસેથી ખરીદી હતી. જ્યારે તેમને આ માટે એક લાખ રૂપિયા ચેકથી અને 59 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. આ જમીનના દસ્તાવેજ એક વર્ષમાં કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ મયુર સોરઠીયા નામના શખ્સ દ્વારા આ જમીન પર પોતાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ તે કોર્ટમાં કેસ હારી ગયો હતો. જ્યારે બીજી તરફ સોની વેપારી ગિરીશ પરમાર વિરુદ્ધ કુવાડવા પોલીસ મથકમાં રણજીત સોલંકી નામના વ્યક્તિએ અરજી કરી હતી. ગીરીશભાઈ પાસેથી રૂપિયા 30 લાખ વ્યાજે લીધા હતા. તે હજુ આ વ્યાજ ચૂકવી રહ્યો છે. તેવી અરજી આપી હતી અને ત્યારબાદ કુવાડવા પોલીસ આ ઘટનામાં પિક્ચરમાં આવી હતી.
સમાધાન માટે 7 લાખ વેપારી પાસેથી પડાવ્યા : સમગ્ર ઘટનાને લઈને ગિરીશ પરમારે જણાવ્યું હતું કે, અમે વર્ષ 2012માં છ એકર જમીન લીધી હતી. જ્યારે તેનું સાટાખત રજીસ્ટર્ડ થઈ ગયું હતું. પરંતુ તેનો દસ્તાવેજ થયો નહતો. જેને લઈને અમારો દસ્તાવેજ કરવાનો સમય એક વર્ષમાં પૂર્ણ થાય તે પહેલા જ સામેવાળી પાર્ટીએ એક વ્યક્તિને ઉભો કર્યો હતો. જેનું નામ મયુર સોરઠીયા હતું. ત્યારે આ મયુર સોરઠીયાની મદદથી જમીન વેચનાર પાર્ટીએ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. જ્યારે કોર્ટમાં કેસ શરૂ થયો ત્યારે અમે જે પાર્ટી પાસેથી જમીન લીધી હતી તે પાર્ટી અમને દસ્તાવેજ કરવાની ના પાડી હતી.
જમીન પાર્ટીના નાટક : તે પાર્ટીએ અમને કહ્યું કે, આ જમીનનો મામલો બગડી ગયો છે અને કોર્ટમાં કેસ ચાલુ છે. જ્યારે મયુર સોરઠીયા કોર્ટમાં કેસ હારી ગયો ત્યારબાદ અમે ફરીથી આ જમીનની પાર્ટીના માલિકને જમીનના દસ્તાવેજ કરાવવા અંગે કહ્યું હતું. ત્યારબાદ તે લોકોએ નાટક શરૂ કર્યા અને અમને કહ્યું કે તમારે 33 ટકા જમીન અમને આપવી પડશે ત્યારબાદ જ અમે આ જમીનના દસ્તાવેજ કરી આપશુ.
આ પણ વાંચો : Baroda Dairy Controversy : MLAના આક્ષેપ બાદ મંડળે કહ્યું, લાયકાત જોઈએ, અન્ય ડેરી કરતા દુધના ભાવ મળે છે વધુ
વ્યાજે પૈસા પડાવ્યા હોવાની અરજી કરવામાં આવી : ગિરીશ પરમારે વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસની એન્ટ્રી વર્ષ 2020માં થઈ હતી. જ્યારે મયુર સોરઠીયા કોર્ટમાં આ જમીનનો કેસ હારી ગયો ત્યારબાદ તેને કુવાડવા પોલીસ મથકમાં અમારા વિરુદ્ધ નવી અરજી કરી કે મેં આ લોકોને 67 લાખ રૂપિયા આપ્યા છે. આ લોકોએ મને મારી જમીન આપી નથી. જ્યારે આ ઘટનામાં ખરેખર જમીન અમારા નામે પણ થઈ નહોતી અને અમારા વિરુદ્ધ આ પ્રકારની અરજી થઈ હતી. ત્યારબાદ કુવાડમાં પોલીસ પથકની અમને ફોન આવ્યો હતો અને અમે કુવાડવા પોલીસ મથકે ગયા હતા. ત્યાં અમને પોલીસે કીધું કે તમે આ જમીનના પૈસા જે આપ્યા છે તે પરત લઈ લો અથવા તો આ જમીનની જે હાલમાં જે કિંમત છે તે બે કરોડ 25 લાખ રૂપિયાતે સામેની પાર્ટીને આપી દો.
વ્યાજનો ગુનો ન નોંધવાના પોલીસે 10 લાખ માંગ્યા : કુવાડવા પોલીસ મથકમાં અરજી થતા કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે ગિરીશ પરમાર એના તેના પિતા ગયા હતા. જ્યાં પી.આઈ વાળા દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે, તમારે આ મામલે શું કરવું છે. 67 લાખ રૂપિયા લઇ લ્યો અથવા તો તમારે 67 લાખ અહીંયા મૂકીને જવા પડશે. આ ઘટનાથી ડરી ગયેલા પિતા પુત્ર બંનેએ પોલીસને સરેન્ડર કરી દીધું હતું. જ્યારે પોલીસે પણ વ્યાજનો ગુનો ન નોંધવા માટે રૂ.10 લાખની માંગણી કરી હતી અને અંતે 7.50 લાખ રૂપિયામાં નક્કી થયું હતું. ત્યારે કુવાડવા પોલીસ મથકના એસઆઈ હિતેશ ગઢવી તેમની ઓફિસ ખાતે પૈસા લેવા આવ્યા હતા. તે તમામ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જોકે આ મામલે ગિરીશ પરમારે એસીબીમાં પણ અરજી કરી છે અને મુખ્યપ્રધાન કક્ષા સુધી રજૂઆત કરી છે. છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી.