- કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે તંત્ર દ્વારા પ્રયાસો
- સુપર સ્પ્રેડર્સને શોધીને તેને કોરોના વેક્સિન લેવા માટે માર્ગદર્શન
- કોરોના સંક્રમણ રોકવા શહેરમાં વધુમાં વધુ લોકોને કોરોનાની વેક્સિન અપાઇ રહી
રાજકોટ : કોરોનાની બીજી લહેર ભારત દેશમાં ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી. જેમાં મોટાભાગના લોકો કોરોનાથી સંક્રમિત થતા હતા. કોરોનાની પ્રથમ લહેરમાં વૃદ્ધો સૌથી વધુ સંક્રમિત થયા હતા. જ્યારે બીજી લહેરમાં બાળકો અને યુવા વર્ગ સૌથી વધુ સંક્રમિત થયા હતા.
સુપર સ્પ્રેડર્સને શોધીને તેને કોરોના વેક્સિન લેવા માટે માર્ગદર્શન
જિલ્લામાં હવે કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં રાજકોટમાં સુપર સ્પ્રેડર્સને શોધી શોધીને તેમને વેક્સિન અપાઈ રહી છે. આ કામમાં રાજકોટ આરોગ્ય તંત્ર અને પોલીસ પણ જોડાઈ છે. જે બને એટલા વધુમાં વધુ સુપર સ્પ્રેડર્સને શોધીને તેને કોરોના વેક્સિન લેવા માટે માર્ગદર્શન આપી રહી છે.
ફેરિયાઓ વગેરેને શોધીને વેક્સિન લેવા માટેનું વિશેષ માર્ગદર્શન આપાયું
કોરોનાની બીજી લહેર દરમિયાન સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ હતી. જ્યારે દર્દીઓને ઘરે સારવાર લેવા માટે મજબૂર બનવું પડ્યું હતું. જેને લઈને હવે રાજકોટમાં કોરોનાના કેસ કાબૂમાં આવતા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને શહેરના અલગ-અલગ વિસ્તારમાં શાકભાજી વહેંચતા લોકો, ફેરિયાઓ જેવા લોકો કે, જે વધુમાં વધુ લોકો સાથે દરરોજ સંપર્કમાં આવતા હોય તેવા લોકોને શોધવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ લોકોને બને એટલા વહેલાસર કોરોના વેક્સિન લેવા માટેનું વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ, રોજના 6 હજાર લોકોને અપાય છે વેક્સિન
રાજકોટ વહીવટી તંત્ર દ્વારા ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દેવાઇ
આરોગ્ય સંસ્થાઓ દ્વારા હજુ દેશમાં ત્રીજી લહેરની પણ આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં આગામી દિવસોમાં રાજકોટમાં 14 હજાર બેડની વ્યવસ્થા, બાળકો માટે અલગ હોસ્પિટલની વ્યવસ્થા, ઓક્સિજન પ્લાન્ટ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જ્યારે કોરોના સંક્રમણ રોકવા શહેરમાં વધુમાં વધુ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે.