- રાજકોટ - અમદાવાદ સિક્સલેન હાઈવે
- સિક્સલેન હાઈવેનું કામ ધીમી ગતીએ ચાલી રહ્યું છે
- કોન્ટ્રાક્ટરને ધીમા કામ માટે નોટિસ ફટકારવામાં આવી
રાજકોટઃ અમદાવાદ - રાજકોટ સિક્સલેન હાઈવેના બે કોન્ટ્રાક્ટરને ધીમા કામ માટે નોટિસ ફટકારવામાં આવી છે. રાજકોટથી અમદાવાદ ખાતે ખૂબ જ ઓછા સમયમાં પહોંચી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ અમદાવાદ વચ્ચે સિકસલેન રોડને મંજૂર કરવામાં આવ્યો છે. જેનું કામ હાલ ચાલું છે, પરંતુ આ રોડ બનાવવાનું કામ અત્યંત ધીમી ગતીએ ચાલતુ હોવાની વાત જિલ્લા કલેકટરને ધ્યાને આવતા તેમના દ્વારા માર્ગ મકાન વિભાગને આ અંગેની સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ માર્ગ મકાન વિભાગ દ્વારા આ સિક્સલેન રોડનું કામ કરી રહેલા બે કોન્ટ્રાકટરને નોટીસ ફટકારવામાં આવી છે. તેમજ આ રોડના કામમાં કેમ ઢીલ મુકવામાં આવી છે તે અંગેનો ખુલાસો પણ માગ્યો છે.
રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવે 35 ટકા કામ કરવામાં આવ્યું
રાજકોટ - અમદાવાદ સિક્સલેન હાઈવે નું કામ આગામી ડિસેમ્બર મહિનામાં પુરૂ કરવાની ડેડલાઈન આપવામાં આવી હતી. જો કે અત્યાર સુધીમાં આ સિક્સલેનનું હજુ 35 ટકા જેટલું જ કામ કરવામાં આવ્યું હોવાથી આ કામના કોન્ટ્રાકટરનો રીપોર્ટ રાજ્ય સરકારને કરવામાં આવ્યો છે. તેમજ આ મામલે કોન્ટ્રાક્ટરોને પણ નોટિસ પાઠવીને સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે. રાજકોટ-અમદાવાદ સિકસલેન રોડને ત્રણ તબક્કામાં વહેચી કોન્ટ્રાકટની ફાળવણી કરવામાં આવી છે. તે મુજબ અલગ અલગ કંપની દ્વારા આ રોડનું કામ પૂર્ણ કરવાનું હતું.
ત્રણ અલગ અલગ કંપનીને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો
કોન્ટ્રાક્ટ રાજકોટ અમદાવાદ સિક્સલેન માટે ત્રણ અલગ અલગ કંપનીને કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. રાજકોટથીબામણબોર, બામણબોરથી બગોદરા અને બગોદરાથી અમદાવાદ સુધીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમજ રોડનું કામ ઝડપથી થાય તે માટે હાઈવેની વહેચણી કરવામાં આવી છે. જ્યારે રોડના કામ બાબતે રાજસ્થાનના જોધપુરના વરા ઈન્ફાસ્ટ્રકચર અને અમદાવાદના સદભાવના એન્જિનિયરીંગ નામની એજન્સીને નોટીસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે.
કલેકટરે બંને કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી
રાજકોટ અમદાવાદ સિક્સલેન હાઈવે મામલે બગોદરાથી અમદાવાદનું કામ મોટા ભાગે થઈ ગયું છે. જ્યારે બગોદરાથી બામણબોરનું કામ પણ પૂર્ણતાના આરે છે. હવે માત્ર રાજકોટથી બામણબોરનું 55 કિ.મીનું કામ બાકી છે, જે અત્યંત ધીમુ ચાલી રહ્યું છે. રાજકોટ અમદાવાદ સિકસલેન હાઈવે માટે જમીન સંપાદનની કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે, તેમ છતાં પણ હાઈવેનું કામ કરવામાં નહી આવતા કલેકટરે બંને કોન્ટ્રાકટરને નોટીસ ફટકારી છે. 55 કિ.મી.ના કામ માટે કોન્ટ્રાકટરદ્રારા કોરોના અને વરસાદના કારણે કામ આગળ વધી શકયું ન હોવાની ફરીયાદ કરવામાં આવે છે. જેને લઈને આ સમગ્ર મામલે રાજ્ય સરકારને પણ રીપોર્ટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદના નગરજનોને નવરાત્રી દરમિયાન AMTSની મોટી ભેટ, આ રીતે મળશે ફાયદો
આ પણ વાંચોઃ GMC Election: ત્રણેય પાર્ટીઓનો પુરજોશ પ્રચાર, ભાજપનો ભવ્ય રોડ શો, કોંગ્રેસ અને આપે કરી રેલીઓ