રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પ્રોફેસર દ્વારા કૌભાંડો ઉપર કવિતા લખ્યા બાદ તે વાયરલ થઇ હતી. જ્યારે આ મુદ્દો હજુ પણ ચર્ચામાં છે. એવામાં રાજકોટ શહેર ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ કવિતા વાયરલ થયા હોવાનું સામે આવ્યું છે. જોકે કોણે કવિતા લખી તે હજુ નથી સામે આવ્યું.
ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ : કવિતા વાયરલ થવાનું કારણ એ છે કેે પક્ષના કાર્યકર્તાઓમાં જ અસંતોષ હોય તે પ્રકારે કવિતાના શબ્દો જોવા મળી રહ્યા છે. જોકે આ પ્રકારની કવિતા કોણે લખી છે અને કેમ વાયરલ કરી છે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ રાજકોટ શહેર ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં કાર્યકર્તાઓમાં અસંતોષ હોવાની બાબતને લઈને કવિતા વાયરલ થઈ હોવાની વાત શહેર ભાજપ પ્રમુખના ધ્યાને પણ આવી છે.
આજ સવારે જ આ કવિતાનું મામલો મારા ધ્યાન ઉપર આવ્યો છે. ત્યારે આ કવિતાના આધારે હું કહી શકું છું કે ભાજપના કોઈ કાર્યકર્તાની લાગણી દુખાણી હોય તે ચોક્કસ ફલિત થતું દેખાઈ રહ્યું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં લાખો હજારો કાર્યકર્તાઓ કામ કરે છે અને સમગ્ર દેશમાં તે પથરાયેલો છે. ત્યારે દરેક વખતે નિમણૂક બાબતે કોઈકને કોઈક કાર્યકર્તાની લાગણી દુભાતી હોય તે પણ સ્વાભાવિક હોય છે. એવામાં આ બધાની વચ્ચે ભાજપનો એક સારો અને કર્મનિષ્ઠ કાર્યકર્તા હોય તેની ચોક્કસ ભારતીય જનતા પાર્ટી નોંધણી લેતી હોય છે. આમ છતાં પણ જો કોઈ કાર્યકર્તાની લાગણી દુભાણી હશે તો તેને ન્યાય આપવાની હું ખાતરી આપું છું. જ્યારે કાર્યકર્તાઓને ચોક્કસ માંગવાનો અધિકાર હોય તેવું હું પણ માનું છું અને કાવ્યને હું ટીકાત્મક સ્વરૂપે નથી જોઈ રહ્યો...મુકેશ દોશી (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ)
કાર્યકર્તાઓની નાની મોટી ભૂલ ક્ષમાને પાત્ર : મુકેશ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી આ કવિતા કોણે લખી છે તે મારે ધ્યાને આવ્યું નથી પરંતુ ભાજપના જ કોઈ કાર્યકર્તા દ્વારા લખવામાં આવી છે તે જાણવા મળ્યું છે. જ્યારે કાર્યકર્તા નાની મોટી ભૂલ કરતા હોય તો તે ક્ષમાને પાત્ર હોય છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની નવી બોડીની રચના કરવામાં આવી હતી. જેમાં અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે જૂની બોડી હતી તેના ઉપર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા તેના કારણે આ સમગ્ર બોડીનું રાજીનામું પક્ષ દ્વારા લેવામાં આવ્યું હતું. એવામાં નવા બોડીમાં અનેક ચર્ચાતા નામોને સ્થાન ન મળ્યું હોવાના કારણે આ પ્રકારની કવિતા વાયરલ કરી હોવાની શક્યતાઓ માનવામાં આવી રહી છે.