રાજકોટ : હાલ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે. એવામાં રાજકોટમાં ગત સપ્તાહે ભારે વરસાદ જોવા મળ્યો હતા. ત્યારે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ આવવાની સાથે જ શહેરના માર્ગો ખાડા માર્ગ બન્યા હતા. તેમજ શહેરના નવા ભળેલા વિસ્તાર એવા મવડી, વાવડી, કોઠારીયા, માધાપર, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતાં. જેને લઈને પરેશાની ભોગવતાં સ્થાનિકોમાં રોષનો પાર નથી. ત્યારે આ મામલે રાજકોટ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક રસ્તાઓના ખાડા પુરાવી રોડ રીપેર કરાવીને સમારકામ કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સાથે અધિકારીઓને ફિલ્ડમાં રહેવાની સૂચના અપાઇ છે.
પ્રિમોન્સૂનની કામગીરી : રાજકોટના મેયર પ્રદીપ ડવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટના લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેને લઈને ચોમાસા અગાઉ જ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટાભાગના વિસ્તારમાં રોડ રસ્તા ઉપર પેચ વર્ક કરવામાં આવ્યા હતા.
ગત અઠવાડિયે પડેલા વરસાદના કારણે રાજકોટના કોઈપણ વિસ્તારમાં નાના મોટા રોડ રસ્તાઓ ઉપર ગાબડાં પડ્યા હોય અથવા રસ્તાઓનું ધોવાણ થયું હોય અથવા મેટલનું ધોવાણ થયું હોય જેને લઇને કોર્પોરેશનના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આવી કોઈપણ ફરિયાદ આવે તાત્કાલિક તેનું નિવારણ કરવામાં આવે, આ સાથે જ આગામી દિવસના વાતાવરણ ખુલ્લું થાય અને વરસાદ રહી જશે ત્યારે જે વિસ્તારમાંથી ખાડાની ફરિયાદ આવી છે. ત્યાં ડામર મારફતે પેચ વર્કનું કરવામાં આવશે અને મેટલ સાથે ગાબડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવશે...પ્રદીપ ડવ, મેયર
નવા વિસ્તારોમાં રસ્તાઓ વધુ બિસ્માર : વાત કરવામાં આવે તો રાજકોટમાં ગત અઠવાડિયામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. આ દરમિયાન શહેરના કોઠારીયા, વાવડી, મવડી, ઘંટેશ્વર અને માધાપર જે રાજકોટ કોર્પોરેશનમાં નવા ભળેલા વિસ્તારો છે ત્યાં રસ્તાઓ વધુ બિસ્માર જોવા મળી રહ્યાં છે. અહીંયા હજુ સુધી કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
કોર્પોરેશનમાં રજૂઆતો થઇ : એવામાં આ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર કિચડ જોવા મળ્યું હતું. આ સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા હતાં ત્યારે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમના દ્વારા આ મામલે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇને કોર્પોરેશન દ્વારા હવે આગામી દિવસોમાં રોડ રસ્તા રીપેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.