રાજકોટ : શ્રાવણી મેળાઓની મોજ રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો જન્માષ્ટમી પર્વ દરમિયાન યોજાય છે. એવામાં ગઈકાલે આ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યારે આજે લોકમેળાનો બીજો દિવસ છે. ત્યારે લોકમેળાના બીજા દિવસે રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સક્રિય બન્યું છે.
અખાદ્ય વસ્તુઓનો નાશ : લોકમેળામાં રાખવામાં આવેલા અલગ અલગ ખાણીપીણીના સ્ટોલોમાં ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતા અનેક ગેરરીતિ સામે આવી હતી. જ્યારે વાસી, અખાદ્ય ખોરાક, ભેળસેળયુકત ખોરાક, લીલી ચટણી, મરચું સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી. આ તમામ વસ્તુઓનો ફૂડ વિભાગ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો.
ખાણીપીણીના સ્ટોલમાં ડ્રાઇવ : રાજકોટમાં યોજાયેલા લોકમેળામાં ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે મહાનગરપાલિકાના ફૂડ ઓફિસર હાર્દિક મેતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ લોક મેળાનું ગઈકાલે સાંજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બીજા દિવસે ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ ઉપર ડ્રાઇવ યોજવામાં આવી રહી છે.
આ ખાણીપીણીના સ્ટોલ પર તપાસ દરમિયાન વાસી અને ભેળસેળ યુક્ત ખોરાક મળી રહ્યા છે. જેનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવી રહ્યો છે. જ્યારે મુખ્યત્વે લોકમેળામાં જે ચીપ્સ મળી રહી છે. તેમાં ભેળસેળયુક્ત કલર નાખવામાં આવી રહ્યો હતો. ખાદ્ય પદાર્થ સાથે જે ચટણી વેચવામાં આવી રહી છે. લીલી અને મીઠી ચટણી તેમાં પણ કલર સહિતની વસ્તુઓ જોવા મળી રહી છે. બ્રેડમાં પણ એક્સપાયરી ડેટ લખેલી જોવા મળી નહોતી, જેને લઇને આ તમામ અખાદ્ય વસ્તુનો ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો છે...હાર્દિક મેતા (ફૂડ ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા )
લોક મેળાનો આજે બીજો દિવસ : સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. ત્યારે ગઈકાલે આ લોકમેળાનું રાજ્યના પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે લોકમેળાનો બીજો દિવસ છે. એવામાં બીજા દિવસે વહેલી સવારથી જ લોકો ધીમે ધીમે લોકમેળામાં પ્રવેશી રહ્યા છે. જ્યારે આગામી ત્રણ દિવસ સુધી આ લોકમેળો યોજાનાર છે.
50,000થી વધુ મુલાકાતીઓ આવ્યાં : એવામાં ગઈકાલે સાંજે શરૂ થયેલા લોકમેળામાં અત્યાર સુધીમાં અંદાજિત 50,000 થી વધુ લોકોએ આ લોકમેળાની મજા માણી હતી. ત્યારે હજુ પણ ત્રણ દિવસનો સમય છે. એવામાં સૌરાષ્ટ્ર ભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો રાજકોટના લોક મેળાની મજા માણવા માટે આવી રહ્યા છે.