રાજકોટ : રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં કરવામાં આવતી હોય છે. એવામાં રાજકોટમાં પણ આ પર્વ ધામધૂમથી ઉજવાશે. આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવનાર છે એવામાં રાજકોટમાં એક મહિલા દ્વારા આ વર્ષે રક્ષાબંધનને લઈને ખાસ હનુમાન ચાલીસાવાળી રાખડી તૈયાર કરી છે. જ્યારે હનુમાન ચાલીસાની નાની સાઈઝ આ રાખડીમાં રાખવામાં આવી છે. જેને એક બહેન પોતાના ભાઈની રક્ષા માટે બાંધી શકે તે પ્રકારની આ રાખડી તૈયાર કરાઈ છે. તેમજ તેને તૈયાર કરતા અંદાજિત 3 મહિના જેટલો સમય લાગ્યો છે. જો કે હાલ આ રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે.

3 મહિનાનો સમય લાગ્યો : હીનલ રામાનુજ દર વર્ષે અવનવી રાખડીઓ બનાવે છે. ત્યારે આ વર્ષે હનુમાન ચાલીસા સાથેની રાખડી તૈયાર કરી છે. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે. જેને લઇને બજારોમાં અવનવી રાખડીઓ જોવા મળે છે. જ્યારે હું પણ દર વર્ષે નવા નવા પ્રકારની રાખડીઓ તૈયાર કરતી હોઉં છું. રાખડી તૈયાર કરતા 3 મહિનાનો સમય લાગ્યો હતો.
રક્ષાબંધન એ ભાઈબહેનનો તહેવાર હોવાથી બહેન ભાઈના લાંબા આયુષ્ય અને રક્ષા માટે ભગવાનને પ્રાર્થના કરીને તેને રાખડી બાંધતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને મે આ વખતે હનુમાન ચાલીસા સાથે રાખડી તૈયાર કરી છે. જેમાં આખી હનુમાન ચાલીસા આવી જાય છે. આ રાખડી તમે રક્ષા રૂપે પણ પહેરી શકો છો અને ખૂબ જ નાના અક્ષરોમાં આ હનુમાન ચાલીસા તૈયાર કરવામાં આવી છે. જેને રાખડીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે...હીનલ રામાનુજ(રાખડી આર્ટિસ્ટ)
સીએમ અને પીએમને મોકલાશે : હીનલ રામાનુજે વધુમાં જણાવ્યું હતું કે લોકો હાલ ભગવાનજીની પૂજા તો કરતા હોય છે પરંતુ હવે ડિજિટલ અને મોબાઈલનો યુગ આવ્યો છે. ત્યારે લોકો મોબાઈલ તરફ વધુમાં વધુ વળી રહ્યા છે. એવામાં જ્યારે આ લોકો સંસ્કૃતિ સાથે જોડાય તે માટેનો મારો આ એક પ્રયાસ છે. હીનલ રામાનુજ આ રાખડીઓ દેશમાં સીમા ઉપર ફરજ બજાવતા આર્મી જવાનો અને રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ પીએમ મોદીને પણ મોકલવાના છે. હાલ હીનલે આ પ્રકારની હનુમાન ચાલીસાવાળી અંદાજીત 200 કરતા વધુ રાખડીઓ તૈયાર કરી છે. જે આકર્ષણનું કેન્દ્ર બની છે.
- Rajkot News : વીર જવાનો માટે 1111 રાખડીઓ જાતે બનાવી મોકલી રહી છે રાજકોટની શાળાની વિદ્યાર્થિનીઓ
- Rakshabandhan 2023: 100થી પણ વધુ વર્ષ ચાલશે આ રાખડી, 24 કેરેટ ગોલ્ડ પરતની ડિઝાઇન સહિત પૂજાની સામગ્રીઓ છે સામેલ
- Rakshabandhan 2023 : ભાઈની ઉર્જા માટે બહેનોની કલાત્મક કામગીરી, છાણમાંથી તૈયાર કરે છે રંગબેરંગી રાખડીઓ