રાજકોટ : રાજકોટ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીને એક દિવસ અગાઉ જ વિપક્ષની કોર્પોરેશનની ઓફિસ અને સરકારી કાર જમા કરાવવા માટેનો લેટર કોર્પોરેશન દ્વારા આપ્યા બાદ ભારે ગરમાવા આવ્યો હતો. ત્યારે આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા આ મામલે ભાજપ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતાં.
ઓફિસની ચાવી અને સરકારી કારને જમા કરાવી : આ સાથે જ લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે તેવું કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ કોર્પોરેશનcex કોંગ્રેસના કોર્પોરેટર ભાનુબેન સોરાણી દ્વારા તેમને આપવામાં આવેલી વિપક્ષની ઓફિસની ચાવી અને સરકારી કારને જમા કરાવી હતી. જોકે હવે આગામી દિવસોમાં કોંગ્રેસ કોર્પોરેટરો મહાનગરપાલિકાના ગાર્ડનમાં જ બેસીને લોકોના પ્રશ્નો સાંભળશે તેવું તેમણે જણાવ્યું હતું.
ભાજપ પર ગંભીર આક્ષેપ : આ સમગ્ર મામલે કોંગ્રેસના મહામંત્રી એવા મહેશ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં શાસનમાં આવ્યા બાદ તમામ રાજ્યો અને મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમા લોકશાહીનો અવાજ કેવી રીતના દબાવો તે પ્રકારની કામગીરી કરી રહી છે. ભાજપ દ્વારા કાયદાઓનું ખોટું અર્થઘટન કરવાની હાલ પેરવી પણ ચલાવવામાં આવી રહી હોય તેવું આ ઘટના પરથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
લોકશાહીનું હનન : તેમણે જણાવ્યું કે જ્યારે ગત ચૂંટણીમાં કોંગ્રેસને ચાર બેઠક આવી હતી અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા ભાનુબેન સોરાણીને રાજકોટ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાની જવાબદારી આપી હતી. ત્યારે આ જ મેયર દ્વારા તેમને વિપક્ષની ઓફિસ અને સરકારી ગાડી આપી હતી. જ્યારે હવે આ જ મેયરને તેમના આકાઓ દ્વારા શું સૂચના આપવામાં આવી હશે. જેના કારણે તેમને રાતોરાત કોંગ્રેસના કોર્પોરેટરને કાર્યાલય અને કાર જમા કરાવી દેવા માટેનો લેટર લખવો પડ્યો છે. આ લોકશાહીનું હનન છે.
કોંગ્રેસ બગીચામાં બેસી લોકોના પ્રશ્નો સાંભળશે : રાજકોટ કોર્પોરેશન કચેરીમાં કોંગ્રેસ દ્વારા વિધિવત રીતે આજે કાર્યાલય અને કારની ચાવી મેયરના સેક્રેટરીને સોંપવામાં આવી છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસમાં આવેલા બગીચામાં બેસીને જ લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે અને તેમની રજૂઆત કરવામાં આવશે.
કેમ સર્જાઇ આ પરિસ્થિતિ : ઉલ્લેખનીય છે કે હવે રાજકોટ કોર્પોરેશનમાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટરો રહ્યા છે. જ્યારે બીજા બે કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા કોંગ્રેસના ચારમાંથી માત્ર બે જ કોર્પોરેટરો બચ્યા હતા. ત્યારબાદ હવે ભાજપ શાસિત મહાનગરપાલિકામાંથી વિપક્ષનું કાર્યાલય પણ છીનવી લેવામાં આવ્યું હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યો હતો.