રાજકોટ : રાજકોટની રૈયા રોડ ઉપર આવેલી નાગરિક બેંકની મુખ્ય ઓફિસ ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ મામલે નાગરિક બેંકના અધિકારીઓએ કોઈપણ લોકો અહીંયા તપાસ કરવા આવ્યા ન હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાટણના એક કેસને લઈને બેંકમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની ટીમ તપાસ માટે આવી હોવાનું ચર્ચાએ પકડ્યું હતું.
લોન ભરપાઇનો મામલો : ઉલ્લેખનીય છે કે નાગરિક બેંકની પાટણ બ્રાન્ચમાંથી ચાર જેટલી અલગ અલગ મિલકત ઉપર રુપિયા 18 કરોડથી વધુની લોન લેવામાં આવી હતી અને આ લોનની ભરપાઈ કરાઇ નથી. જેના કારણે આ મિલકતને સીલ કરાય છે અને ચારમાંથી એક મિલકતની હરાજી કરવામાં આવી હતી. જેની તપાસ મામલે રિઝર્વ બેંકની ટીમ રાજકોટ ખાતે આવી હતી, પરંતુ નાગરિક બેંક દ્વારા આ મામલે કોઈ પણ ખુલાસો કરવામાં આવ્યો નહોતો. જોકે બેંકવાળાનું કહેવું છે કે બેંકમાં કોઈ પણ દરોડો નથી.
કોઈપણ બહારના વ્યક્તિઓ બેંકમાં આવ્યા નથી. બેંકની રૂટીન કામગીરી હાલમાં શરૂ છે. તેમજ કોઈપણ પ્રકારના દરોડા બેંક પર પાડવામાં આવ્યા નથી. આ બધી અફવાઓ ચાલી રહી છે. અમે ગયા અઠવાડિયે ખુલાસો આપ્યો હતો કે અમારી બેંકમાં જે લોન છે તેની રિકવરી પ્રક્રિયાની કાર્યવાહી અંતર્ગત સામેવાળી વ્યક્તિ દ્વારા પ્રેશર ટેકનિક ઊભી કરી વિવિધ માધ્યમો દ્વારા ખોટા સમાચારો પ્રસિદ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ તમામ બાબતોની સ્પષ્ટતા બેંક દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે અમે સામેવાળાએ પાર્ટીનું પણ નામ જાહેર કરી શકીએ નહીં... અલ્પેશ મહેતા (રાજકોટ નાગરિક બેંકના જનસંપર્ક અધિકારી)
બેંક દ્વારા પાટણમાં ચાર મિલકતોને સીલ કરવામાં આવી : ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક બેંકની બ્રાન્ચ પાટણમાં આવી છે. જ્યાંથી એક વ્યક્તિ દ્વારા રૂ. 18 કરોડની લોન લેવામાં આવી હતી અને નાગરિક બેંક દ્વારા અલગ અલગ ચાર મિલકતો ઉપર આ લોન આપવામાં હતી. પરંતુ લોનની ભરપાઈ ન કરવામાં આવતા નાગરિક બેંક દ્વારા મિલકતોને સીલ કરવામાં આવી હતી. આ સાથે જ વહીવટી તંત્રને સાથે રાખીને એક મિલકતની હરાજી કરવામાં આવી હતી. જોકે આ હરરાજીને લઈને રિઝર્વ બેન્કની ટીમ દ્વારા રાજકોટ નાગરિક બેંક ઉપર દરોડો પાડીને તપાસ હાથ ધરવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ બેંકના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ હાલ બેંકમાં ન થતી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.