રાજકોટ : રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં ઠેર ઠેર વિવિધ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે વર્ષાઋતુમાં શાકભાજીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ટમેટાનો ભાવ સો રૂપિયાને પાર પહોંચ્યા છે. એવામાં અન્ય શાકભાજીના ભાવ પણ બમણા થયા છે. ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
કારણ કંઇ પણ હોય ભાવ તો વધારવાના : ભાવ વધારાનું કારણ શાકભાજી સમયસર યાર્ડ ખાતે નહીં પહોંચતું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જ્યારે ચોમાસુ હોય અને વરસાદ આવતો હોય એવામાં યાર્ડ ખાતે પણ જોઈએ એટલા પ્રમાણમાં શાકભાજી આવતું નથી. જેના કારણે શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે.
તમામ શાકભાજીના ભાવમાં બમણો વધારો : શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જેને લઇને રાજકોટની જ્યુબેલી શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતાં મગનભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા 7-8 દિવસથી વાવાઝોડું અને વરસાદ હોવાના કારણે તમામ શાકભાજીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે.
શાકભાજીમાં 50 થી 60 ટકા ભાવ વધ્યો છે. એવામાં ટમેટાના ભાવ સૌથી વધારે વધ્યા હોવાનું સામે આવ્યું છે. આઠ દિવસ પહેલા ટમેટાના ભાવ 1 કિલોના રૂપિયા 50 હતા. જે આજે ₹100 થી 120 રૂપિયા કિલોના વેચાઈ રહ્યા છે. હાલમાં વરસાદ થયો છે. જેના કારણે ચોરાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ભીંડો અને ગુવારનો ભાવ યથાવત છે. તેમજ તુરીયા અને કારેલાની આવક હાલ યાર્ડમાં ઓછી છે જેના કારણે તેના એક કિલોના 80 થી 100 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે...મગનભાઈ પટેલ(શાકભાજીના વેપારી)
કોથમીર અને મેથીના ભાવમાં પણ વધારો : શાકભાજી વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે ચોમાસાના કારણે કોથમીર અને મેથીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હોલસેલમાં કોથમીરની એક કિલોની ભારી 150 રૂપિયાની આવે છે. જ્યારે છૂટકમાં 200 રૂપિયામાં કોથમીર વેચાઈ રહી છે. આ સાથે જ મેથી પણ નાસિકમાંથી આવે છે. જે 150 રૂપિયાની કિલો વેચાય છે અને 30 થી 40 રૂપિયાની એક પુડી વેચાય છે.
સામાન્ય જનતા ત્રાહિમામ : ઉલ્લેખનીય છે કે ચોમાસામાં યાર્ડ ખાતે શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાય છે. એવામાં રેગ્યુલર શાકભાજીના ભાવમાં પણ બમણો વધારો નોંધાયો છે. ત્યારે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે એવામાં શાકભાજીનો ભાવમાં બમણો વધારો થયો છે. ત્યારે આગામી દિવસોમાં આ ભાવમાં પણ વધારો થાય તેવી શક્યતાઓ વેપારીઓ માની રહ્યા છે.