રાજકોટ : હાલમાં પ્રખર ઉનાળાની ઋતુના દિવસોમાં ગરમીનો પ્રકોપ છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આકરો તાપ પડી રહ્યો છે. રાજકોટવાસીઓ દરરોજ 40 થી 42ની ડિગ્રી તાપમાનનો સામનો કરી રહ્યા છે. એવામાં ઉનાળામાં ભરબપોરે લાઈટ જવાના પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. એને તો કાનસરો દેનાર કોઇ નથી પણ હવે ઉદ્યોગકારો દ્વારા વીજ કાપ અને ટ્રિપિંગથી ત્રાહિમામ પોકારાયું છે.
દૈનિક ટ્રિપિંગની ઘટનાઓ : રાજકોટના લોધિકા વિસ્તારમાં આવેલા ખાંભા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વારંવાર લાઈટ જવાના કારણે ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. આ મામલે આજે ખાંભા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા માહિતી આપવામાં આવી હતી કે PGVCL દ્વારા વારંવાર ટ્રિપિંગના કારણે તેમને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. દર બુધવારે તો પીજીવીસીએલ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજ કાપ રાખવામાં જ આવે છે પરંતુ આ સિવાય પણ અઠવાડિયામાં દૈનિક ટ્રિપિંગની ઘટનાઓ સામે આવે છે.
વારંવાર પીજીવીસીએલને રજૂઆત : જ્યારે આ અંગે ખાંભામાં પ્લાસ્ટિકનું કારખાનું ધરાવતા અર્જુન ડઢાણીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે વર્ષ 2018થી ખાંભામાં કાર્યરત છીએ. અમારા વિસ્તારમાં PGVCLની ઘણી બધી બેદરકારી જોવા મળી રહી છે. જ્યારે પણ અમારે લાઈટનો પ્રશ્ન હોય ત્યારે અમે PGVCLને ફોન કરીએ તો કોઈ અધિકારી ફોન ઉપાડતા નથી. તેમજ ઓફિસમાંથી યોગ્ય જવાબ મળતો નથી.
જ્યારે પીજીવીસીએલના અધિકારીઓ સાથે લાઈટ બાબતે વાત થાય એટલે તે લોકો એમ કહે છે કે થોડા સમયમાં તમારી લાઈટનો પ્રશ્ન સોલ્વ થઈ જશે. પરંતુ આ લાઈટના પ્રશ્નમાં ત્રણથી ચાર કલાક જેટલો સમય વીતી જાય છે. આ વારંવાર ટ્રિપિંગની વાત આવે છે તો દર બુધવારે તેમને મેન્ટેનન્સ માટે આખો દિવસ મળી રહે છે. પરંતુ બુધવારે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી...અર્જુન ડઢાણીયા(ઉદ્યોગકાર)
કંઈ કામ થતું નથી : ઉદ્યોગકારોએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દર બુધવારે તેમના કારખાનામાં રજા જ રાખવામાં આવે છે અને પીજીવીસીએલને એક દિવસ માટે મેન્ટેનન્સનો સમય મળે છે. પરંતુ આ મેન્ટેનન્સ પીજીવીસીએલ દ્વારા કરવામાં આવતું ન હોય તો તે દેખાય રહ્યું છે. અમારે વારંવાર ટ્રિપિંગનો સામનો કરવો પડે છે.
વિસ્તારમાંથી આ મામલે રજૂઆત આવી છે. જેને લઇને અમે આ વિસ્તારમાં તપાસ કરી હતી. ત્યારે સામે આવ્યું છે કે આ વિસ્તારમાં એક ટ્રાન્સફોર્મર ફેઇલ હતું. જેના કારણે વારંવાર ટ્રિપિંગ થવાની ઘટના બનતી હતી. જ્યારે એક કેબલનો પણ પ્રોબ્લેમ હતો. જે વાત અમારા ધ્યાને આવી છે. હવે અહીંયા મેન્ટેનન્સ કરવામાં આવશે. જેના કારણે લાઈટ જવાનો પ્રોબ્લેમ થશે નહીં...ડી. વી. લાખાણી (પીજીવીસીએલ અધિકારી)
તાત્કાલિક પ્રશ્ન ઉકેલવા માગણી : ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, અમે જીએસટી ભરીએ છીએ. આ સાથે તમામ જાતના ટેક્સ પણ ભરીએ છીએ અને સરકારને લાભ અપાવીએ છીએ. છતાં પણ અમારે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જ્યારે ઉદ્યોગકારો માત્ર એક જ માંગણી છે કે તાત્કાલિક તેઓનો જે લાઇટનો પ્રશ્ન છે તેનું નિરાકરણ સરકાર લાવવામાં આવે.