રાજકોટ : રાજકોટના સદર બજાર વિસ્તારમાં આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જે એમ બિશ્નોઇને સીબીઆઇ દ્વારા પાંચ લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જેએમ બિશ્નોઇએ સીબીઆઇ તપાસ દમિયાન જ ઓફિસના ચોથા માળેથી કૂદકો મારીને આપઘાત કરી લીધો હતો. જે મામલે પરિવારજનો દ્વારા સીબીઆઈ ઉપર ગંભીરાલ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને સીબીઆઇ દ્વારા જ તેમના ભાઈની હત્યા કરવામાં આવી હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે આજે જે એમ બિશ્નોઇના ભાઈ સંજય બિશ્નોઇ રાજકોટ ખાતે આવ્યા હતા અને આ મામલે રાજકોટના પોલીસને સમગ્ર બનાવ અંગેના પુરાવા આપશે તેવી વાત કરી હતી.
સંજય બિશ્નોઇએ શું કહ્યું : મૃતક જે એમ બિશ્નોઇના ભાઈ સંજય બિશ્નોઇએ રાજકોટમાં જણાવ્યું હતું કે સીબીઆઇની ટીમ બેગ સાથે લઈને આવી હતી.જે એમ બિશ્નોઇના ભાઇ સંજય બિશ્નોઇએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે બે દિવસ માટે અમારા ભાઈની અંતિમવિધિ કરવા માટે પોતાના વતન ગયા હતા. ત્યારે હવે ફરી પાછા રાજકોટ ફર્યા છીએ. આ મામલે મારા ભત્રીજાએ જે પત્ર લખ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સીબીઆઈના માણસો મારા ભાઈના ઘરે આવીને ગાંજા અને દારૂની વાતો કરી રહ્યા હતા અને પરિવારજનોને ખુબ જ ત્રાસ પણ આપી રહ્યા હતા. આ સાથે સીબીઆઇના માણસો પોતાની સાથે બેગ પણ લઈને આવ્યા હતાં.
આ પણ વાંચો JM Bishnoi Suicide Case : ઓફિસમાંથી મળેલી ડાયરીમાં CBIને બિશ્નોઈના બે વહીવટદાર હોવાનું આવ્યું સામે
બેગ સ્વીકારવાની વાત કરી : સંજય બિશ્નોઇએ કહ્યું કે સીબીઆઇના માણસો પોતાની સાથે લાવેલી બેગ પરિવારજનોને સ્વીકારવાની વાત સીબીઆઇના માણસો કરી રહ્યા હતા. તેમજ પૈસા પણ આપવાની વાત સીબીઆઇ તરફથી કરી હતી. પરંતુ મારા ભાઈના બાળકોએ આ પૈસા લેવાનો ઇનકાર કર્યો હતો અને તેમના પિતા સાથે સીબીઆઇ દ્વારા વાત કરવામાં આવી તેવી માંગણી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના કેટલાક પુરાવા પણ અમારી પાસે છે, જે અમે રાજકોટના ડીસીપીને આપશું.
સીસીટીવી અમને દેખાડો : સંજય બિશ્નોઇએ વધારામાં જણાવ્યું હતું કે ઓફિસ અને ઘર નજીક લાગેલા સીસીટીવી અમને બતાડવામાં આવે. અમને ઓફિસના અને તેમના ઘરની આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી પણ બતાવવામાં આવે જેના કારણે અમે આ ઘટનાની સત્ય સુધી પહોંચી શકીએ. જ્યારે કોઈ સારા ઓફિસર પાસે આ આખા કેસની તપાસ કરવામાં આવે તેવી પણ અમારી માંગણી છે. મારા ભાઈના ઘરમાંથી કોઈ પણ જાતની રોકડ રકમ મળી નથી. આ બધું સીબીઆઇના માણસો દ્વારા મેનેજ કરવામાં આવ્યું હતું.
કંપની સામે પણ તપાસ કરવામાં આવે : સંજય બિશ્નોઇએ વધારામાં જણાવ્યું હતું કે હજુ સુધી સીબીઆઇના માણસો કે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના કોઈપણ કર્મચારીએ અમારી સાથે વાતચીત પણ કરી નથી. આ સાથે જ જે પણ ફરિયાદી દ્વારા મારા ભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવી હતી. તેની કંપની સામે પણ તપાસ કરવામાં આવે જેના કારણે પણ ખબર પડી શકે છે કે ખરેખર આ આખો મામલો શું હતો.