રાજકોટ : આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવનાર છે. એવામાં રાજકોટમાં પણ ધામધૂમપૂર્વક ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા ગણેશ ચતુર્થીના તહેવાર અગાઉ ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી અને ત્યારબાદ ગણેશજીની 9 ફૂટથી ઊંચી મૂર્તિ ન રાખવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા ચેકિંગ : જ્યારે પોલીસ કમિશનરના જાહેરનામાને લઈને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવાયું હતું. એવામાં શહેરના રેસકોસ બાલભવન નજીક ગણેશજીની મૂર્તિ બનાવનાર કારીગરે નવ ફૂટથી વધુની મૂર્તિ બનાવી હતી. જેને લઈને પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કારીગરે 9 ફૂટથી વધુની સાત મૂર્તિ બનાવી છે.
ગણેશ મહોત્સવના આયોજકોમાં રોષ : રાજકોટના રેસકોર્સ નજીક આવેલા બાલ ભવન ખાતે વર્ષોથી બંગાળી કારીગરો ગણેશજીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે. એવામાં આ વર્ષે પણ પ્રદીપ પ્રાણ કૃષ્ણપાલ નામના મૂર્તિકાર દ્વારા ગણેશજીની પ્રતિમાઓ બનાવવામાં આવી હતી. પોલીસ કમિશનરે નવ ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિ ન બનાવવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેને લઈને પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી અને મૂર્તિકારની અટકાયત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા મૂર્તિકાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવતા ગણેશ મહોત્સવના આયોજકોમાં રોષ જોવા મળ્યો હતો. આ વર્ષે છૂટછાટ આપવામાં આવે તેવી આયોજકોની માગણી છે.
આ વર્ષે પોલીસ કમિશનર દ્વારા 4 ઓગસ્ટના એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ગણેશજીની મૂર્તિ નવ ફૂટથી ઉંચી ન હોવી જોઈએ તેવું દર્શાવવામાં આવ્યું હતું. ત્યારે અમારી ગણેશજીની મૂર્તિ 9 ફૂટ કરતા ઉંચી થઈ ગઈ છે. જેને લઇને અમે પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવ્યા હતાં કે આ વર્ષે અમને થોડી છૂટછાટ આપવામાં આવે...આશિષ વાગડિયા (ગણેશ મહોત્સવના આયોજક)
કમિશનરનું નરમ વલણ : આ મામલે ગણેશ મહોત્સવના આયોજક અને ભાજપના પૂર્વ કોર્પોરેટર એવા આશિષ વાગડિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું શહેરના શાસ્ત્રી મેદાન ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરું છું. જ્યારે છેલ્લા દસ વર્ષથી રાજકોટ કા રાજાનું આયોજન કરવામાં આવે છે. કોરોનાના બે વર્ષ આ કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો પરંતુ હવે કોરોના કાળ ગયા પછી સતત ગણેશ મહોત્સવનું આયોજન અમારી ટીમ દ્વારા કરવામાં આવતું હોય છે. રાજકોટના પાંચ મોટા ગણેશ મહોત્સવના આયોજકોને મૂર્તિ અંગેની છૂટછાટ આપવામાં આવે તેવી રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી હતી. જ્યારે પોલીસ કમિશનરે પણ આ મામલે નરમ વલણ દર્શાવ્યું હોવાનું સામે આવ્યું છે.