રાજકોટ : હાલ ચોમાસાની ઋતુ શરૂ છે. એવામાં રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. ત્યારે રાજકોટમાં ડેન્ગ્યૂના કારણે ચાર વર્ષની બાળકીનું મોત થયું છે. શહેરના ભાવનગર રોડ ઉપર રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની બાળકીને બે દિવસ પહેલા ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યો હતો. જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે બે દિવસની ટૂંકી સારવાર બાદ આ બાળકીનું મોત થયું છે. જેને લઈને પરિવારમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. જ્યારે માત્ર ચાર વર્ષની બાળકીને ડેન્ગ્યૂના કારણે મોત થતાં ચકચાર મચી જવા પામી છે.
બે દિવસ પહેલા ડેન્ગ્યૂ પોઝીટીવ આવ્યો : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના ભાવનગર રોડ ઉપર આવેલા મયૂરનગરમાં રહેતા ચેતનભાઈ બદરખીયાની ચાર વર્ષની પુત્રી રિયાને બે ત્રણ દિવસ પહેલા તાવ આવ્યો હતો. ત્યારે તેનો રિપોર્ટ કરવામાં આવતા આ ચાર વર્ષની બાળકીને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે છેલ્લા બે દિવસથી આ બાળકીની હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ હતી. એવામાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે. જેને લઇને રાજકોટ કોર્પોરેશન તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.
બાળકીને સિવિલ હોસ્પિટલમાં સારી રીતે સારવાર અપાઈ હતી. છતાં પણ બાળકીને બચાવી શકાઈ નથી. જ્યારે હાલ ચોમાસામાં મુખ્યત્વે મચ્છરજન્ય રોગચાળાના કેસ વધ્યા છે જેમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. હાલ બાળકોને ડેન્ગ્યુના કેસ વધુ જોવા મળી રહ્યા છે...ડો. આર એસ ત્રિવેદી (રાજકોટ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ)
નાની વયે આંખોના દાન : બાળકીની આંખનું દાન કરવામાં આવશે ચાર વર્ષની બાળકીનું ડેન્ગ્યૂથી મોત થતાં પરિવારની હાલત રડીરડીને બેહાલ છે. એવામાં તેના પરિવારજનો ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં પણ બાળકીના પરિવારજનો દ્વારા રિયાની આંખોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. તેની આંખો અન્ય વ્યક્તિને દાનમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ફોંગિગ શરુ કર્યું : ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સૌથી નાની વયે આંખોના દાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. બીજી તરફ ડેન્ગ્યૂના કારણે ચાર વર્ષની બાળકીનું મોત થતા કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ઘોડા નાસી જાયને તબેલાંને તાળાં મારવાની જેમ વિસ્તારમાં સઘન ફોગિગ સહિતની કામગીરી કરી રહ્યું છે.