રાજકોટઃ રાજ્યના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ રાજકોટની 2 દિવસીય મુલાકાતે છે. તેઓ રાજકોટમાં 110 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવા કોર્ટ પરિસરના લોકાર્પણ પ્રસંગે ગઈકાલથી જ રાજકોટના મહેમાન બન્યા છે. નવા કોર્ટ પરિસરના લોકાપર્ણમાં સીજેઆઈ ચંદ્રચૂડ મુખ્ય અતિથિ છે તેથી આ કાર્યક્રમ માત્ર રાજકોટ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે મહત્વનો છે.
ન્યાયિક પ્રક્રિયા એક જ સ્થળેઃ અગાઉ રાજકોટમાં જૂની કોર્ટ ખાતે અલગ અલગ ઈમારતોમાં ન્યાયિક પ્રક્રિયા ચાલતી હતી. જો કે હવે રાજકોટને 110 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવુ કોર્ટ પરિસર મળવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટની ન્યાયિક પ્રક્રિયા એક જ સ્થળે થશે. આજે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું લોકાર્પણ થવાનું છે. જેમાં સીજેઆઈ ચંદ્રચૂડ મુખ્ય અતિથી છે. ઋષિકેશ પટેલ આ કાર્યક્રમ માટે ગઈકાલથી જ રાજકોટ આવી ચૂક્યા હતા. તેમણે બાર એસોસિયેશન અને વરિષ્ઠ વકીલો અને રાજકોટના અગ્રણીઓ સાથે મુલાકાત પણ કરી હતી. સૌરાષ્ટ્રને હાઈ કોર્ટની બેન્ચ મળે તે સંદર્ભે પણ પ્રવક્તા પ્રધાને નિવેદન આપ્યું હતું.
સૌરાષ્ટ્રને હાઈ કોર્ટની બેન્ચ મળે તે સંદર્ભે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી...ઋષિકેશ પટેલ(પ્રવક્તા પ્રધાન)
પ્રદ્યુમન ઝૂની મુલાકાતઃ ગુજરાતના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલ ગઈકાલથી રાજકોટના મહેમાન બન્યા છે. તેમણે અનેક બેઠકો ઉપરાંત વિવિધ સ્થળોની મુલાકાત પણ લીધી હતી. જેમાં રાજકોટ મહા નગર પાલિકા સંચાલિત પ્રદ્યુમન ઝૂની પણ મુલાકાતનો સમાવેશ થાય છે. તેમણે ઝૂમાં રહેલ વિવિધ પ્રાણીઓને નિહાળ્યા અને પત્રકારો સાથે ઝૂમાં વાતચીત પણ કરી હતી. જેમાં તેમણે દીપડા જેવા વન્યજીવો રહીશી વિસ્તારોમાં આવી જાય છે તે સમસ્યાના ઉકેલ વિશે માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્રને હાઈ કોર્ટની બેન્ચ મળે તે વિષયક કોઈ નિર્ણય લેવાયો નથી તેવું જણાવ્યું હતું. તેમણે પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થઈ ગયો છે અને સર્ચ કમિટીનો રિપોર્ટ આવશે કે તરત જ યુનિવર્સિટીઓના કુલપતિઓની ભરતી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.