રાજકોટ : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ડુંગળી પકવતા ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા રોવાનો વારો આવ્યો હતો. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ ડુંગળી અને બટાકા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી કરવામાં આવશે તેની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી ડુંગળીની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી એકપણ ખેડૂતે નાફેડને ડુંગળી વેચી નથી.

સવા નવ રૂપિયે ડુંગળીની ખરીદી : રાજકોટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં ગઈકાલે નાફેડ પ્રતિ કિલો ડુંગળીનો ભાવ 7.92 આપવામાં આવ્યો હતો. જ્યારે આજે નાફેડ દ્વારા ડુંગળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આજે કિલોએ ડુંગળીનો ભાવ સવા નવ રૂપિયા મળી રહ્યો છે, છતાં પણ છેલ્લા બે દિવસથી એકપણ ખેડૂતે નાફેડને રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચી નથી. જ્યારે આજે ખુલ્લી બજારમાં ખેડૂતોને ડુંગળીનો 1 કિલોએ 10 રૂપિયા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં પોતાનો માલ વેચી રહ્યા છે.
આ પણ વાંચો : Onion purchase by NAFED : રાજકોટ યાર્ડમાં નાફેડ દ્વારા ડુંગળીની ખરીદી શરૂ, ખેડૂતોનો મત શું છે જૂઓ
ખેડૂતો માત્ર પૂછપરછ માટે આવે છે : આ અંગે રાજકોટ યાર્ડમાં નાફેડના ખરીદી ટીમના મેનેજર સિદ્ધાર્થ સૌંદરવાએ જણાવ્યું હતું કે, આજ સવારથી 15થી 20 જેટલા ખેડૂતો અહીં કેન્દ્ર ખાતે આવ્યા હતા. તમામ ડોક્યુમેન્ટની વિગતો પણ લઈ ગયા છે. તેમજ પોતાનો માલ લઈને આવવાનું અમને કહીને ગયા છે. જ્યારે હાલમાં ખેડૂતો યાર્ડ ખાતે ડુંગળી લઈને તો આવી રહ્યા છે, પરંતુ તેમને ઓપન બજારમાં ડુંગળીનો સારો ભાવ મળી રહ્યો છે. જેના કારણે તેઓ ઓપન બજારમાં માલ વેચી રહ્યા છે. આજે નાફેડ દ્વારા ડુંગળીનો પ્રતિ કિલોનો ભાવ 9.50 જેવો ચાલે છે. એવામાં ઓપન બજારમાં 10થી 15 ખેડૂતોને મળી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat Cabinet Meeting: સરકારે ખેડૂતોને કર્યા ખુશ, ડુંગળી બટેકાના વાવેતર પર સરવે કરવા કેબિનેટમાં લેવાયો નિર્ણય
ઓપન માર્કેટમાં હાલ ડુંગળીના ભાવ ઉચકાયા : આ અંગે રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, અચાનક નાફેડ દ્વારા છેલ્લા બે દિવસથી ડુંગળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોને પણ આ અંગેની જાણ ન હતી, પરંતુ આજે નાફેડ દ્વારા 1 કિલો ડુંગળીના 9.50 રૂપિયા આપી રહ્યા છે. આ વાતની ખબર યાર્ડના વેપારીઓને પડતા ખુલ્લી બજારમાં પણ ડુંગળીના ભાવ ઉચકાયા છે. જેના કારણે ખેડૂતો ખુલ્લી બજારમાં ડુંગળી વેચી રહ્યા છે. આ સાથે જ કોઈ લેભાગુ તત્વો ખેડૂત બનીને સરકાર દ્વારા આપવામાં આવતો લાભ ન લઈ જાય તે માટે ડોક્યુમેન્ટ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. જેનું તમામ ખેડૂતોએ પાલન કરવું પડે છે.