રાજકોટ : ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આજે ધનતેરસના શુભ દિવસે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આજની બેઠકમાં મૂકવામાં આવેલી 20 જેટલી દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરવામાં હતી. મનપા કર્મચારીઓના આરોગ્ય માટે સહાયને લઈને દરખાસ્ત બેઠકમાં મૂકવામાં આવી હતી. મુખ્યત્વે આવી 10 જેટલી દરખાસ્તો પણ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે.
મનપા કર્મચારી મળશે આરોગ્ય સહાય : આ અંગે રાજકોટ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. ભારતીય જનતા પાર્ટીના શાસકોની વર્ષોથી પરંપરા રહી છે કે દર વર્ષે ધનતેરસના દિવસે એક સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજવામાં આવે છે. ત્યારે આજે મળેલી રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં 20 જેટલી દરખાસ્ત મૂકવામાં આવી હતી.
65 લાખના કામોને મંજૂરી : જયમીન ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, 20 દરખાસ્તમાંથી 10 દરખાસ્ત રાજકોટ મનપાના કર્મચારીઓના આરોગ્ય માટે નાણાકીય સહાય આપવાની હતી. તે તમામ દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. આજની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં 65 લાખથી વધુના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે આગામી 20 તારીખના રોજ રાજકોટ મનપાનું જનરલ બોર્ડ યોજાવાનું છે અને ત્યારબાદ ફરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાશે.
રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી : રાજકોટ મનપા દ્વારા છેલ્લા 40 વર્ષથી ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજી પણ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ આતશબાજી જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે ધનતેરસના દિવસે રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાવાની પરંપરા રહી છે.