રાજકોટ : ભારત અને પાકિસ્તાન મેચ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ત્યારે મેચને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ ચાર જેટલા સ્થળોએ મોટી LED સ્ક્રીન ગોઠવવામાં આવી છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ લાઇવ દેખાડવામાં આવી રહી છે. ત્યારે રસ્તે જતાં રાહદારીઓ અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ભારત-પાકિસ્તાન મેચની મજા માણી રહ્યા છે.
ચાર સ્થળોએ LED સ્ક્રીનની વ્યવસ્થા : ભારત પાકિસ્તાનના મેચને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મવડી ચોકડી, કિસાનપરા ચોક, સોરઠીયાવાડી સર્કલ અને પાણીનો ઘોડો વિસ્તારમાં વિશાળ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. જ્યારે અહીંથી પસાર થતાં વિસ્તારવાસીઓ અને રાહદારીઓ પણ ભારત પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મેચની લાઈવ મજા માણી રહ્યા છે. તમામ લોકો ઇચ્છી રહ્યા છે કે પાકિસ્તાનની ટીમ સામે ભારતનો ભવ્ય વિજય થાય.
ભારતને 192 રનનો લક્ષ્યાંક : ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે વર્લ્ડ કપ મેચ રમાઈ રહી છે. પ્રથમ દાવ બાદ પાકિસ્તાન દ્વારા ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. 191 રનમાં પાકિસ્તાનની ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી.
રાજકોટ મનપા દ્વારા આયોજન : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતની જીતને વધાવવા માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ ચાર સ્થળોએ LED સ્ક્રીન રાખી અને બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેથી અહીં લોકો અહીંયા બેસીને પણ ભારત પાકિસ્તાન વચ્ચેના મેચની મજા માણી શકે છે. તેમજ સ્ક્રીન પાસે સિક્યુરિટી સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. જે તે વિસ્તારમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે.
ભારતના જીતની આશા : ઉલ્લેખનિય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરના અલગ અલગ વિસ્તારમાં ભારતના મેચને લઈને સ્ક્રીન લગાવવામાં આવતી હોય છે. ત્યારે આ વખતે ભારત પાકિસ્તાનની હાઈ-વોલ્ટેજ મેચ રાજકોટમાં અલગ અલગ ચાર સ્થળે લાઈવ દેખાડવામાં આવી રહી છે. તેવામાં હાલ ભારત અને પાકિસ્તાનનો મેચ લાઇવ શરૂ છે અને ભારતની બેટિંગ ચાલુ છે. ત્યારે રાજકોટવાસીઓએ ભારતના જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે.