રાજકોટ : લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થઈ ગયું છે. જ્યારે હવે આ બિલ રાજ્યસભામાં મૂકવામાં આવ્યું છે. એવામાં બિલ મામલે રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર નયનાબેન પેઢડિયાએ આ મામલે ETV BHARAT સાથે પોતાનો પ્રતિભાવ શેર કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ મહિલાઓ લોકોના હિત માટે અનેક કાર્યો કરતી આવી છે. રાજકારણમાં મહિલાઓને અનામત મળવાના કારણે મહિલાઓ માટે એક સારી તક ઉભી થશે.
ઐતિહાસિક નિર્ણય : આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ વધુમાં જણાવ્યું હતું કે. 21 સપ્ટેમ્બર 2023 ની તારીખ દેશના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થશે. કારણ કે નવા સંસદ ભવનની અંદર પ્રથમ બેઠકમાં નરેન્દ્ર મોદીની નેતૃત્વ વાળી ભાજપ સરકાર દ્વારા નારી શક્તિ વંદન વિધેયક મૂકવામાં આવ્યું હતું. જેના સમર્થનમાં લોકસભામાં 454 મત પડ્યા અને આ બિલ પાસ થયું હતું. જ્યારે લોકસભામાં બિલ પસાર થતા દેશ માટે એક ગૌરવપૂર્ણ બાબત સાબિત થઈ છે.
હાલમાં દેશમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. જ્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારામન સહિત અનેક મહિલાઓ ધારાસભ્ય અને સાંસદ સભ્ય પણ છે. ત્યારે હવે નારીઓ માટે 33 % અનામત ફાળવીને મોદી સરકાર દ્વારા નારી સશક્તિકરણને યોગ્ય દિશા આપવામાં આવી છે. હું પણ એક મહિલા છું અને સાથે સાથે રાજકોટના મેયર પદ પર છું. એવામાં મહિલાઓ માટે આ એક સારી તક બની રહેશે. -- નયનાબેન પેઢડિયા (મેયર, રાજકોટ)
નારીના બહુવિધ ગુણ : નયનાબેન પેઢડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જોઈએ તો મહિલા અનામત બિલ મામલે રાજકારણમાં મહિલાઓને એક સારી તક મળી રહેશે. જ્યારે એક સ્ત્રી પોતાનું ઘર સંભાળતી હોય છે અને સાથે સાથે બાળકોને અને પોતાના પરિવારના સભ્યોની પણ કાળજી લેતી હોય છે. એવામાં આ બધાની સાથે સાથે તેનામાં એક કોઠા સૂઝ પણ હોય છે. જેને કારણે તેમનામાં ત્વરિત નિર્ણય કરવાની શક્તિ હોય છે. ત્યારે તે ભવિષ્યમાં સારું શાસન પણ કરી શકે છે.
સુવર્ણ યુગ : આપણા ભારત દેશના ઈતિહાસની વાત કરવામાં આવે તો રાજાશાહી વખતે ઘણી બધી મહિલાઓએ અને રાણીઓએ લોકશાહીની અંદર લોકો માટે ઘણા કામો લોકોના હિત માટે કર્યા છે. જ્યારે સૈનિક બનીને પોતાના રાજ્યની રક્ષાઓ પણ બહેનોએ કરી છે. એવામાં વર્તમાન સમયમાં પણ ઘણી બધી જગ્યાઓએ બહેનો ખૂબ સારું શાસન ચલાવી રહી છે. જેને લઈને ભવિષ્યમાં મહિલા અનામત બિલને લઈને બહેનોને ખૂબ જ તેનો લાભ મળી રહેશે.