રાજકોટ : સૌરાષ્ટ્રભરમાં ધામધૂમથી ઉજવાતા જન્માષ્ટમી પર્વના લોકમેળામાં લોકો રંગેચંગે આનંદ માણી રહ્યાં છે. એવામાં રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાઇ રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં હજારો લોકોએ આ લોકમેળાની મજા માણી છે. એવામાં રાજકોટના લોકમેળાની મજા માણવા માટે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ આવી પહોંચ્યાં હતાં. અહી તેઓએ મેળામાં ઊભા કરવામાં આવેલ વિવિધ સ્ટોલની મુલાકાત કરી હતી. તેમજ મેળામાં વિવિધ રાઇડસમાં બેસવાની મજા પણ તેમને માણી હતી. તો કૃષિપ્રધાન રાઘવજીને મળવાની તક સાંપડતાં સંવાદદાતાઓના પ્રશ્નોના ઉત્તર આપતાં વિવિધ મુદ્દે વાતચીત કરી હતી.
રાઘવજી પટેલ ફજર ફાળકામાં બેઠાં : રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન રાજકોટ ખાતે રેસકોર્સ ખાતે લોકમેળો યોજાય છે. ત્યારે ગત 5 તારીખે આ લોકમેળાનું ઉદ્દઘાટન રાજ્યના વન અને પ્રવાસનપ્રધાન મૂળુભાઈ બેરા અને કેબિનેટપ્રધાન કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. એવામાં અત્યાર સુધીમાં લોકમેળામાં લાખો લોકોએ ભાગ લીધો છે.
જ્યારે આ લોકમેળો રાજકોટ માટે ખૂબ જ મહત્વનો હોય ત્યારે હું પણ આ લોકમેળાની મુલાકાત માટે આવ્યો છું. છેલ્લા 50 વર્ષથી હું એક પણ ફજર ફાળકામાં બેઠો નથી. એવામાં મને આજે ફજક ફરકામાં બેસવાની તક મળી તેના માટે મને આનંદ થયો છે...રાઘવજી પટેલ (કૃષિપ્રધાન)
સિંચાઇના પાણી વડે પાક બચાવવાના પ્રયત્નો : રાજ્યમાં વરસાદ મામલે કૃષિપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે હાલમાં વરસાદ ખેંચાયો છે. જે હકીકત છે. હાલમાં ખેડૂતોના ઊભા પાકને પિયતની ખૂબ જ જરૂર છે પણ વરસાદ એ કુદરતી બાબત છે. તેમાં આપણે કાંઈ કરી શકતા નથી. પરંતુ અમારા મુખ્યપ્રધાને તાત્કાલિક આદેશો કર્યા કે જે જે ખેડૂતોને પાણીની સિંચાઇ માટે વીજળીનો વપરાશ થયો હોય તેવા ખેડૂતોને બે કલાક વીજળીનો પુરવઠો વધુ પ્રમાણમાં આપો. આ સાથે સિંચાઇ માટેના જે ડેમો છે તેમાંથી તાત્કાલિક પાણી છોડી ખેડૂતોના ઊભા પાકને બચાવો. બાકી આપણેે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે વહેલાસર વરસાદ આવે. જ્યારે હાલમાં સિંચાઇના પાણી વડે ખેડૂતો પણ પોતાના પાક બચાવવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યાં છે.