રાજકોટઃ રાજકોટ જિલ્લા પંચાયતનું આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. રુપિયા 17 કરોડનું બજેટ રાજકોટ જિલ્લાના વિવિધ ગામોના વિકાસ માટે ઉપયોગી રહેશે તેવું તેમણે જણાવ્યું હતું. જ્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષના બજેટમાં 3 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.
બજેટમાં કોઈ નવી યોજના નહીં : રાજકોટ જિલ્લા પંચાયતના વર્ષ 2023 અને 24ના બજેટમાં કોઈ નવી યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જે જૂની યોજના છે તેને લાગુ કરવામાં આવી છે. જ્યારે આ બજેટમાં જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયેલા સૈનિકના પરિવારને 1 લાખ ચુકવવા 5 લાખ રુપિયાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
વેક્સિનેશન માટે 2 લાખની જોગવાઇ : આ ઉપરાંત નવા કોઇ વેરા ગ્રામ્ય પ્રજા ઉપર નાખવામાં આવ્યા નથી. આ સાથે જ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 2 લાખની જોગવાઇ કરવામાં આવે છે, પશુઓ માટે ખરવા-મોવા વેક્સિનેશન માટે 2 લાખ રુપિયાની જોગવાઇ કરવામાં આવે છે.
ગ્રામ્યકક્ષાને લગતું બજેટ : આ અંગે રાજકોટ જિલ્લા પંચાયતના ચેરમેન સહદેવસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતનું બજેટ આજે કારોબારી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવ્યું છે. જે રાજકોટ જિલ્લાના ગ્રામ્યકક્ષાને લગતું બજેટ છે. જેમાં સિંચાઈથી માંડીને આંગણવાડી તમામ બાબતોમાં જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે હાલ પંચાયત પાસે સ્વભંડોળ તરફથી આવતી ગ્રાન્ટમાંથી રૂ 17 કરોડ રુપિયાનું બજેટ બનાવવામાં આવ્યું છે. જેમાં ખાસ સિંચાઈ, બાંધકામ અને આંગણવાડીનો વિકાસ થાય તે માટેની જોગવાઈ કરવામાં આવી છે.
શ્રેષ્ઠ ગામ પંચાયત માટે 22 લાખની જોગવાઈ : જિલ્લા પંચાયતના બજેટમાં ખાસ રાજકોટ જિલ્લાના ગામોમાં શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની જોગવાઇ કરવામાં આવે છે. તેમજ ઉત્તમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે પણ 5 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે જ વિકાસના કામો માટે 9 કરોડ 01 લાખ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના ગામોનો વધુમાં વધુ વિકાસ થાય તે માટેના પ્રયાસ જિલ્લા પંચાયતના બજેટમાં કરવામાં આવ્યા છે.