રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં સરકારી દવાઓમાં અન્ય સ્ટીકરો લગાડીને બારોબાર વેચવાના કૌભાંડ થયું હોવાની આશંકા જોવા મળી રહી છે. રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા GMSCL(ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડ)ના ગોડાઉનમાંથી મોટી માત્રામાં દવાઓનો જથ્થો અને સ્ટીકર સહિતની વસ્તુઓ મળી આવી હતી. સરકારી દવાઓમાં સ્ટીકર લગાડીને કૌભાંડની વાત સામે આવ્યા બાદ ગાંધીનગરથી પણ ટીમ દ્વારા રાજકોટ ખાતે આવેલ વેર હાઉસમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

સરકારી દવાઓની કટકી: રાજકોટના મોરબી રોડ ઉપર GMSCLનું વેરહાઉસ આવેલું છે. જ્યાંથી સરકારી દવાખાના અને આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવતી દવાઓનો સ્ટોક રાખવામાં આવતો હતો. જેના કારણે ખાનગી કંપનીઓમાંથી સીધી દવાઓ આ વેરહાઉસમાં આવતી હતી. અહીંયા અલગ અલગ બે પ્રકારના સ્ટીકર લગાવવામાં આવતા હતા. જ્યારે કંપનીમાંથી દવા સીધી વેરહાઉસમાં આવે ત્યારે સૌ પ્રથમ તેમાં સરકારી સ્ટીકર મારવામાં આવતા હતા. જેના કારણે આ કંપનીઓની દવાઓના ભાવ દેખાઈ નહીં.

દવાઓ પર બે વાર સ્ટીકર: દવા બનાવતી મૂળ કંપનીની દવાઓ સરકારી દર્શાવવામાં આવતી અને તેની પેનલ્ટી ચૂકવવી પડતી નહોતી. ત્યારબાદ આ દવાઓના સ્ટોકને સરકારી દવા બતાવ્યા બાદ ફરી તેના ઉપર જે તે દવાની કંપનીઓનું એમઆરપીનું સ્ટીકર મૂળ રકમ સાથે લગાડવામાં આવતું હતું અને ત્યારબાદ આ દવાનો સ્ટોક બારોબાર વેચી નાખવામાં આવતો હતો. જોકે આ મામલે હાલ ગાંધીનગરથી ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડ ટીમ આવી પહોંચી છે. તેમજ વધુ તપાસ શરૂ છે.

મેનેજર સહિત બે કર્મચારીઓ સંડોવાયેલા: પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે વેરહાઉસનો મેનેજર પ્રતિક રાણપરા આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. તેમજ તેની સાથે બીજા બે કર્મચારીઓ પણ આ કામમાં જોડાયેલા હતા પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં પ્રતિક રાણપરાએ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ આ મામલે ગાંધીનગરથી આવેલ અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર મામલે હાલ તપાસ થઈ રહી છે તેવું જણાવ્યું હતું અને તપાસ થયા બાદ આ અંગેનો અહેવાલ સરકારમાં સોંપવામાં આવશે. જો કે રાજકોટમાં સરકારી દવાઓને બ્લેકમાં વેચવાનું કૌભાંડ થયાની આશંકાની વાત સામે આવ્યા બાદ શહેરભરમાં ચકચારમાંથી જવા પામી છે.