રાજકોટ : રાજકોટના વોર્ડ નંબર 2માં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, ત્યારે અશાંતધારા લાગુ હોવા છતાં પણ વિસ્તારમાં અશાંતધારાનો કડક અમલ થઈ રહ્યો નથી. જેને લઇને રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર એવા ડો દર્શિતા શાહે આ મામલે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી તેમજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં કડક રીતે અશાંતધારાનો અમલ થાય તેવી માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા બે વર્ષથી શહેરના અલગ અલગ વિસ્તારમાં અશાંતધારો લાગુ છે. એવામાં અશાંતધારો હોવા છતાં બિન કાયદેસર રીતે લોકોને અહીંયા ભાડે મકાન આપવામાં આવી રહ્યા છે . તેમજ અશાંતધારાનો ચુસ્ત અમલ થઈ રહ્યો નથી જે મામલે હવે ધારાસભ્ય એ રજૂઆત કરી છે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીને રાજકોટમાં લાગુ કરવામાં આવેલ અશાંતધારા મામલે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નંબર 2માં આવતા અશાંતધારા વિસ્તારમાં ઘણા બધા હિન્દુઓના મકાનમાં મુસ્લિમ સમાજના લોકો વસી રહ્યા છે. જ્યારે આ પ્રકારની રજૂઆત મને મળી હતી. આ વિસ્તારમાં ઘણા બધા હિન્દુઓના મકાન છે, પરંતુ કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી વગર મુસ્લિમ સમાજના લોકો અહીંયા મકાનમાં રહી રહ્યા છે. આ અંગેની મને ફરિયાદ મળતા મે આ મામલે તાત્કાલિક રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનને રજૂઆત કરી હતી, જ્યારે આ બંને વિભાગ દ્વારા રાજકોટ પોલીસ કમિશનર અને કલેક્ટરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. - ડો. દર્શિતા શાહ (ધારાસભ્ય)
ભાડાકરાર વગર બિનકાયદેસર વસવાટ : ડો. દર્શિતા શાહે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અશાંતધારો લાગુ છે છતાં પણ ઘણા બધા મુસ્લિમ લોકો અહીંયા કોઈપણ જાતના ભાડા કરાર વગર બિન કાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. જ્યારે અગાઉ પણ રાજકોટના વોર્ડ નંબર-2માં અશાંતધારો લાગુ કર્યો હોવા છતાં પણ વિસ્તારમાં બેંકની હરાજીમાં એક મકાન લઘુમતી સમુદાયના પરિવારને બેન્ક દ્વારા આપવામાં આવ્યું હતું. જેને લઇને પણ સ્થાનિકોએ આ મામલે રજૂઆત કરી હતી. ત્યારે આ ઘટનાને લઈને ધારાસભ્ય દર્શિતા શાહએ જણાવ્યું હતું કે હાલ આ મામલે બેંકના અધિકારીઓ સાથે વાતચીત ચાલુ છે. જ્યારે આ હરાજીમાં ગયેલું મકાન હિંદુ પરિવારનું હતું અને તે લઘુમતી સમાજના પરિવારને આપવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિકોની એવી લાગણી છે કે આ મકાન ફરીથી હિન્દુ પરિવારને જ આપવામાં આવે ત્યારે હાલ આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે.