રાજકોટ: પ્રધાનમંત્રી માતૃત્વ વંદના સુરક્ષા યોજના અંતર્ગત ખિલખિલાટ વાન સેવા શરૂ કરવામાં આવી છે. રાજકોટના ધોરાજીમાં ખિલખિલાટ વાન સેવા છેલ્લા બે માસથી બંધ હાલતમાં છે. જેથી અહિયાની સગર્ભા મહિલાઓ અને નાના બાળકોની માતાઓને ભારે તકલીફ વેઠવી પડી રહી છે.
સગર્ભા મહિલાઓને હાલાકી: ખિલખિલાટ વાનની સેવા પ્રધાનમંત્રી માતૃત્વ વંદના સુરક્ષા યોજના હેઠળ શરૂ કરવામાં આવી હતી. જેમાં સગર્ભા માતાઓને સરકારી હોસ્પિટલ ખાતે તપાસ માટે લાવવા અને પરત લઈ જવા માટે ખાસ વાન આપવામાં આવેલ છે. આ સેવા લાંબા સમયથી બંધ છે. અંદાજિત 1500 થી વધારે મહિલાઓ હેરાન પરેશાન થઈ રહી છે. સગર્ભા મહિલાઓ અને નાના બાળકોની માતાઓને અનેક તકલીફો સાથે દવાખાને આવવું પડે છે તેવું મહિલાઓ જણાવે છે.
છેલ્લા બે મહિનાથી અહિયાં ખિલખિલાટ સેવા બંધ છે. ગર્ભવતી મહિલાઓને લાવવા અને લઈ જવામાં ભારે તકલીફ વેઠવી પડે છે. સાથે જ ગર્ભવતી મહિલાઓ અને બાળકનું પણ જીવન જોખમે મુકાય છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ દવાખાને આવવા માટે ગભરાય પણ છે. પોતાના બાળકની અને પોતાની ભારે ચિંતા કરતી હોવાથી આવવા માટે ઇનકાર પણ કરે છે. --- સંગીતાબેન શિશાંગિયા (આશા વર્કર)
દયનીય દ્રશ્યો: અહિયાં આવતી મહિલાઓ આકરા તડકામાં ખુલ્લા વાહનોમાં આવે છે. ત્યારે હોસ્પિટલમાં પહોંચે તે પહેલા ઘણી મહિલાઓને ગરમી સહન ન થતા ચક્કર પણ આવી જાય છે. હોસ્પિટલ આવીને પડી જાય તેવા દ્રશ્ય પણ જોવા મળે છે. સગર્ભા મહિલાઓને ગામડાના બિસ્માર રસ્તાઓ પણ ભારે તકલીફ કરાવે છે.
પરિવારજનો પરેશાન: દવાખાને આવતા અવલબેન મકવાણાએ જણાવ્યું છે કે, તેમના પરિવારની પુત્રવધૂને ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે અહીં દવાખાને લઈ આવવાનો અને કેમ્પમાં તપાસવાનો સમય હોય છે. ત્યારે ખાનગી વાહનો બાંધીને આવવું પડે છે. જેમાં બાળક અને તેમની માતાને ખરાબ રસ્તાના કારણે ભારે તકલીફો અને જોખમ ઉઠાવવા પડે છે. જેથી સરકાર આ સેવાને યોગ્ય રીતે ચાલુ કરે તે જરૂરી છે.
ખાનગી વાહનોમાં પણ ખતરો: ખિલખિલાટ વાન બંધ હોવાથી બહાર ગામથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં આવવા માટે છકડો રીક્ષા તથા પ્રાઈવેટ વાહનોમા સ્વખર્ચે આવવું પડે છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં યોજાયેલ કેમ્પમાં સગર્ભા મહિલાઓને અલગ-અલગ તપાસ માટે બોલાવવામાં આવે છે. પણ ખિલખિલાટ વાન જ ન હોવાથી સગર્ભા મહિલાઓને તપાસ માટે તાપમાં ખુલ્લા છક્કડા અને રીક્ષામાં આવવું પડે છે. અન્ય મહિલાઓને પણ ખાનગી વાહનોનો સહારો લઈને અનેક મુશ્કેલી વેઠીને આવવું પડે છે.
બે માસથી બેદરકાર તંત્ર: છેલ્લા બે માસથી ધોરાજી પંથકની મહિલાઓ પીડા સહન કરીને તપાસ માટે ધોરાજી આવી રહી છે. આવા સંજોગોમાં જો આવી કોઈ પણ સગર્ભા મહિલાઓને કોઈપણ પ્રકારની ગંભીર સમસ્યા કે તકલીફ થાય તો જવાબદારી કોની રહેશે. ગર્ભમાં રહેલ બાળક અને તેમની માતા માટે ચિંતાજનક પ્રશ્ન છે. અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો હજુ સુધી નિકાલ નથી આવ્યો. સ્થાનિક મહિલાઓ, સગર્ભા માતાઓ અને આશા વર્કરોએ ખિલખિલાટ વાન તાત્કાલિક ધોરણે ચાલુ થાય તેવી માંગ કરી છે.