રાજકોટઃ રાજકોટના મોટામૌવા વિસ્તારમાં બે દિવસ પહેલા રવાભાઈ જાપડા નામના યુવાને પોતાની દુકાનમાં આપઘાત કરી લીધો હતો. જ્યારે રવાભાઈએ આપઘાત કરતા પહેલા એક સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. જેમાં ચાર વ્યાજખોરો દ્વારા તેમની પાસે વારંવાર પૈસાની માંગણી કરવામાં આવતી હતી અને પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી તેની વિગત લખી હતી. જેના કારણે તેમણેે આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે રાજકોટ તાલુકા પોલીસે આ સ્યૂસાઇડ નોટના આધારે તપાસ કરીને 4 ઇસમોને પકડી પાડ્યા છે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
કોલસાનો વેપાર કરતા હતા મૃતક : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના મોટા મૌવા વિસ્તારમાં કોલસાનો વેપાર કરતા રવાભાઈ જાપડા નામના 40 વર્ષે યુવકે પોતાની દુકાનમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જ્યારે આ મામલે સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. જેના આધારે તાલુકા પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સો દ્વારા રવાભાઈ પાસે વારંવાર પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતી. તેમજ રવાભાઈએ વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવી હતી અને તેમનું મકાન તેમજ તેમના સોનાના દાગીના પણ પડાવી લીધા હતા. જેને લઈને રવાભાઈએ આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા, દેવાદારના પુત્રનું કર્યું અપહરણ
તાલુકા પોલીસે ચાર શખ્સોની કરી ધરપકડ : રવાભાઈ જાપડાએ આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેના આધારે રાજકોટ તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આ ચારેય વ્યાજખોરોને પકડી પાડ્યા હતા. પોલીસે હનુભા રાઠોડ, જય પટેલ, મનાભાઈ તેમજ ભરતભાઈ વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી. હાલ તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ સવાલો એવા ઊભા થઈ રહ્યા છે કે એક તરફ રાજ્ય સરકાર દ્વારા વારંવાર લોક દરબાર તેમજ લોન મેળા કરીને લોકોને વ્યાજની ચૂંગલ માંથી છોડાવવામાં આવી રહ્યા છે. પરંતુ બીજી તરફ વ્યાજખોરોને જાણે પોલીસને કોઈ ડર જ ન હોય તે પ્રકારે પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે.
રૂપિયા બે લાખના 25 લાખ ચૂકવ્યા છતાં પણ ફરી માંગણી : ઘટનાને પગલે તાલુકા પોલીસ મથક વિસ્તારના એસીપી બી જે ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મૂળ જામનગર જિલ્લાના વતની એવા રવાભાઈ જાપડાએ મોટા મૌવા વિસ્તારમાં જ્યાં દુકાન ભાડે રાખી હતી તે દુકાનમાં આત્મહત્યા કરી હતી. જ્યારે રવાભાઈએ ચાર અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જે રૂપિયાના ચાર ગણા રૂપિયાની ચુકવણી કરવા છતાં પણ વ્યાજખોરો વારંવાર તેમની પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા. જેના ત્રાસથી રવાભાઈએ આત્મહત્યાનું પગલું ભર્યું હતું. ત્યારે મૃતકની સ્યુસાઈડ નોટ પણ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી હતી. જ્યારે આ મામલે ચારેય આરોપીઓની અટક કરવામાં આવી છે.