રાજકોટ : રાજકોટમાં વધુ એક વખત ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં શહેરના સામાકાઠા વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો છે. અહી 3 જેટલી અલગ અલગ દુકાનોમાં ચોરી કરવામાં આવી છે. જ્યાંથી અંદાજિત રૂ.10 લાખની ચોરી થઈ છે. જો કે શહેરમાં ચોરીની ઘટના સામે આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઈમબ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં ચોરીની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
વિસ્તારના સીસીટીવીની તપાસ : સમગ્ર ઘટના મામલે રાજકોટ ઝોન 1ના ડીસીપી સજજનસિંહ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગત રાત્રિએ બી ડિવિઝન વિસ્તારના સંત કબીર રોડ પર ઇમિટેશન બજારમાં ત્રણ ઓફિસમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં અંદાજિત રૂ.10 લાખની ચોરી થયાનું હાલ સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરી કરનાર શખ્સો બાજુમાં બનેલી બાંધકામ સાઈટ તરફથી અહી ઓફિસ સુધી પહોંચ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં બેથી ત્રણ શખ્સ શામેલ હોવાનું પોલીસને પ્રાથમિક અંદાજ છે. જો કે હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે વિસ્તારના સીસીટીવી કેમેરા સહિત આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે...સજજનસિંહ પરમાર (ડીસીપી)
નાઇટ પેટ્રોલિંગ પર સવાલ : શહેરના સંતકબીર રોડ પર મોટા પ્રમાણમાં ઇમીટેશન માર્કેટ આવેલી છે ત્યારે અહી ડેનિના સેલ્સમાં અંદાજિત રૂ.7 લાખની ચોરી, શીતલ જવેલર્સમાં દોઢ લાખ રૂપિયાની ચોરી અને ગણપતિ સેલ્સમાં અંદાજિત રૂ.1 લાખની ચોરી થયાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લાંબા સમય બાદ એક સાથે ત્રણ ત્રણ દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે પોલીસની નાઈટ પેટ્રોલીંગની કામગીરી પર પણ સવાલો ઊભા થાય છે. હાલ સમગ્ર મામલે રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.