રાજકોટ: રાજકોટ શહેરમાં પર પરપ્રાંતીયોને રિક્ષામાં બેસાડીને છરી બતાવીને તેમની પાસે રહેલી રોકડ રકમ અને મોબાઈલ સહિતની વસ્તુઓની લૂંટ ચલાવતી રીક્ષા ગેંગનો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ત્રણ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ રીક્ષા ગેંગ દ્વારા મુખ્યત્વે શાપર વેરાવળથી આવતા પરપ્રાંતીઓને રીક્ષામાં બેસાડવામાં આવતા હતા. રાજકોટના અવાવરૂ જગ્યા પર લઈ જઈને તેમને છરી બતાવીને તેમની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઇલ સહિતની વસ્તુઓ લૂંટી લેવામાં આવતી હતી. રાજકોટ શહેરમાં આ પ્રકારના બે બનાવ બન્યા હતા. જે મામલે પોલીસે રીક્ષા ગેંગને પકડી પાડી હતી.
આ પણ વાંચો Rajkot Crime : રાજકોટમાં પકડાયો રીઢો બાઇક ચોર, 50થી વધુ બાઈક ચોરી સહિતના અનેક ભેદ ઉકેલાશે
ગુન્હો નોંધાયો: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટમાં તાજેતરમાં શહેરના આજીડેમ ચોકડી વિસ્તારમાં પરપ્રાંતીય યુવકને છરીના ઘા મારીને તેની પાસેથી રોકડ રૂપિયા મોબાઇલ સહિતની વસ્તુઓની લૂંટ ચલાવવામાં આવી હતી. જે મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે આવો જ બનાવ રજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાયો હતો. જ્યાં ગોંડલ ચોકડી નજીક એક પરપ્રાંતીયને છરીના ઘા મારીને તેની પાસેથી પણ રોકડ રકમ અને મોબાઇલની લૂંટ ચલાવવામાં આવી હતી. આ બંને ફરિયાદ નોંધાયા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આ રીક્ષા ગેંગને પકડી પાડવામાં આવી હતી. મુખ્યત્વે આ ગેંગ દ્વારા પરપ્રાંતીઓને જ પોતાનો શિકાર બનાવવામાં આવતો હતો.
લૂંટ ચલાવવામાં આવતી: શાપરથી રાજકોટ વચ્ચે ચલાવતા હતા. રીક્ષાઆ સમગ્ર ઘટના અંગે મીડિયાને માહિતી આપતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસીયાએ જણાવ્યું હતું કે ગત તારીખ 29 માર્ચના રોજ શહેરના મહિકા વિસ્તારમાં એક રીક્ષા ચાલક અને તેના મિત્રોએ સાથે મળીને એક પરપ્રાંતીય યુવાને છરીના ઘા મારીને તેની પાસેથી રોકડ રૂપિયા અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. જે અંગેની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારબાદ 31 માર્ચના રોજ આ જ પ્રકારનો બનાવ રાજકોટ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતા જોઈને રાજકોટ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. દર્શન ઉર્ફ ભૂદેવ ભરત ચૌહાણ, મયુર રવજી ડાભી બીપીન પોપટ સોલંકી નામના ત્રણ ઇસમો દ્વારા આ પ્રકારે લૂંટ ચલાવવામાં આવતી હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું હતું.
પોલીસ પૂછરછ: ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ રીક્ષા ગેંગ દ્વારા 22 જેટલી લૂંટ આ પ્રકારે કરવામાં આવી છે. જ્યારે મુખ્યત્વે આ શખ્સો દ્વારા પરપ્રાંતીય વ્યક્તિઓને જ ટાર્ગેટ બનાવતા હતા. આ રીક્ષા લઈને ઈસમો શાપરથી રાજકોટ સુધી ફેરા કરતા હતા. વચ્ચે જો કોઈ પરપ્રાંતીય એકલદોકલ મળી જાય તો તેમને પોતાનો શિકાર બનાવતા હતા. હાલ આ ઇસમોની પોલીસ વધુ પૂછરછ કરી રહી છે.