રાજકોટ : રાજકોટ જિલ્લાના વિંછીયામાં ગઈકાલે એક ખેતરમાં પતિપત્નીએ પોતાના મસ્તક કાપીને હવનમાં હોમવાની ઘટના સામે આવી છે. જે મામલે વિસ્તારમાં ચકચાર જામી છે. અંધશ્રદ્ધાના કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકો પણ માની રહ્યા છે. ત્યારે આ મામલે રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી કે. જી. ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ આપઘાતનો હોવાનું સામે આવ્યું છે.
મૃતદેહોનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ : આપને જણાવીએ કે દંપતિએ લખેલી આત્મહત્યા પૂર્વેની નોંધ પણ મળી છે જેમાં પોતે આપઘાત કર્યો હોવાનું પતિપત્નીએ સ્વીકાર્યું છે. હાલ આ સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ પતિ પત્ની બંનેના મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા છે.આ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈએ ગુન્હાહિત કૃત્ય કર્યાનું હજુ સુધી સામે આવ્યું નથી.
ઘટના અંગેનો ગુનો નોંધાયો : રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ડીવાયએસપી કે. જી. ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તારીખ 15 એપ્રિલના રોજ વિંછીયા પોલીસ મથકમાં આ સમગ્ર ઘટના અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સામે આવ્યું છે કે વિંછીયા મોઢુકા રોડ ઉપર આવેલી સેન્ટ મેરી સ્કૂલની પાછળની બાજુમાં ભોજાભાઇની વાડીમાં હેમુભાઈ ભોજાભાઇ મકવાણા અને તેમના પત્ની હંસાબેન મકવાણા આ બંને પતિપત્નીએ છેલ્લા એક વર્ષથી વાડીએ હવન કુંડ બનાવીને રાખ્યો હતો. તેમજ આ ખેતરમાં શિવની પૂજા કરતા હતા. વાડીમાં એક લોખંડની પ્લેટ પણ રાખી હતી અને તેમાં દોરી બાંધી હતી. હવે કોઈપણ કારણોસર અથવા તેઓ કોઈ વિધિ કરતા હોય એને આ પ્લેટ તેમના માથાના ભાગે પડી હતી ને તેમના માથા કપાઈ ગયા હતાં. આ મામલે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી. જ્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કોઈ ગુનાહિત કૃત્ય સામે આવ્યું નથી.
કયા પ્રકારની વિધિ કરાઇ તે દિશામાં તપાસ : ડીવાયએસપી ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી આ મામલે કઈ વધુ વિગતો સામે આવી નથી. પરંતુ જો કોઈ પણ માહિતી અથવા વિગતો સામે આવશે તો જરૂરી કાર્યવાહી પણ આગામી દિવસોમાં કરવામાં આવશે. જ્યારે આ પતિ પત્નીના મૃતદેહો પાસેથી જે સુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં પણ તેઓએ ઉલ્લેખ કર્યો છે કે અમે પોતાની રીતે જ આ પ્રકારનું પગલું ભરીએ છીએ. આ સાથે જ તાંત્રિક વિધિની વાતો પણ સામે આવી હતી. જે દિશામાં પણ વિંછીયા પોલીસ દ્વારા કઈ કઈ વિધિ હોય છે આ તમામ બાબતોને લઈને તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો જ્ઞાનના ફળીયામાં અંધશ્રદ્ધાના દ્રશ્યો એક શિક્ષિકા ચાલુ ક્લાસે લાગે છે ધુણવા
જિલ્લાભરમાં હાહાકાર : ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના વિછીયામાં આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ જિલ્લાભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. બીજી તરફ અંધશ્રદ્ધાના કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું વિશેષજ્ઞનું માની રહ્યા છે એવામાં પોલીસ દ્વારા પણ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.