રાજકોટઃ રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. ત્યારે રાજકોટ પુરવઠા વિભાગને બાતમી મળી હતી કે શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલા માજોઠીનગરના ખૂણે આ પ્રકારનું ગેરકાયદેસર ગેસના રીફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. જેને લઈને પુરવઠા વિભાગ દ્વારા અહી દરોડો પાડવામાં આવ્યો હતો અને અંદાજિત 503 જેટલા ગેસના બાટલા, 6 જેટલા વજન કાંટા, જ્યારે છ ઇલેક્ટ્રોનિક મોટર, રીક્ષા સહિત અંદાજિત 8 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાજકોટમાંથી આવડું મોટું ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કૌભાંડ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
બાતમી મળી : ગેસનો ઘપલો કરનારા દ્વારા મોટા ગેસ સિલિન્ડરમાંથી નાના બાટલા ભરવામાં આવતા હતાં. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના દૂધસાગર મેઈન રોડ પર માજોઠીનગરમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ચાલતું રહ્યું હોવાની તંત્રને જાણકારી મળી હતી. જે મામલે જિલ્લા પુરવઠા અધિકારી એસ. એન. સુથાર, રાજકોટ શહેર પૂર્વ મામલતદાર રૂદ્ર ગઢવી તેમજ પુરવઠા નિરીક્ષક કિરીટસિંહ એમ. ઝાલા તથા અમિતભાઈ પરમારની ટીમને બાતમી મળી હતી.
આ પણ વાંચો 300થી વધુ ગેસના બાટલાને રીફિંલિંગ કરવાના કૌભાંડનો પર્દાફાશ,આટલા ભાવે થતો ધંધો
કઇ રીતે કૌભાંડ થયું : ગેસ બોટલ ધારકોના હકની ચીજમાં થઇ રહેલા આવડા મોટા કૌભાંડની બાતમી મળતાં ટીમ દ્વારા સાવચેતીથી આગળની કાર્યવાહી ધપાવવામાં આવી હતી. જેમાં આજે પુરવઠાવિભાગની ટીમ દ્વારા માજોઠીનગરમાં આરોપીઓ દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતાં ગેરકાયદે ગેસ રીફિલિંગ કૌભાંડ પર દરોડો પાડી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓએ કરેલી સ્થળ તપાસ દરમિયાન સ્થળ પર હાજર સલીમ અલી મોહમ્મદ નામનો શખ્સ મોટા બાટલાઓમાંથી નાના બાટલામાં ગેરકાયદેર રીતે ગેસ રિફીલિંગ માટેની કામગીરી કરતો હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો Ahmedabad Crime: સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચવા જતી ગાડી સાથે આરોપી ઝડપાયો
રહેણાંક વિસ્તારમાં ધમધમતું કૌભાંડ : પુરવઠા વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે માજોઠીનગરમાં મસ્જિદની નજીક આ પ્રકારે ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું. જ્યારે ઘટના સ્થળે મોટા પાયે એક સિલિન્ડરમાંથી ગેસ કાઢીને બીજા નાના સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવતો હતો. તેમજ સ્થળ પર ફાયર સેફ્ટીના કોઈ પણ સાધનો પણ ઉપલબ્ધ નહોતા અને આ રહેણાક વિસ્તાર હતો. એવામાં જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો અનેક સવાલો ઊભા થાત, હાલ સમગ્ર મામલે રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા સલીમ અલી મોહમ્મદ નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ રાજકોટ જિલ્લા કલેકટરને સોંપવામાં આવ્યો છે.