રાજકોટઃ રાજકોટની ભાગોળે સરધાર ગામમાં ઘરફોળ ચોરી થઈ હતી. જે મામલે આજીડેમ પોલીસ દ્વારા ત્રણ લોકોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. એવામાં એક વૃદ્ધની પૂછપરછ બાદ તબિયત લથડી હતી. એમ જેના કારણે તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થતા પરિવારજનોમાં દુઃખની લાગણી જોવા મળી હતી.
આજીડેમ પોલીસ પર આક્ષેપઃ જ્યારે સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ આજીડેમ પોલીસ પર આક્ષેપો કર્યા છે કે પોલીસે દ્વારા આ વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે તેમનું મોત થયું છે.સમગ્ર ઘટનાને લઈને એસીપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે મૃતક વૃદ્ધનું ફોરેન્સિક પીએમ પણ કરાવવામાં આવી રહ્યું છે. ફોરેન્સિક રિપોર્ટ પીએમનો રિપોર્ટ આવ્યા બાદ જ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પરિવારજનની વાતઃ ઘટનાને મામલે મૃતકના જમાઈ એવા મનોજ દેલવાણીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા સસરા-સાળો અને મને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. ચોરીના ગુનામાં માર મારવામાં આવ્યો હતો. જ્યારે 4 દિવસ સુધી અમને રિમાન્ડ દરમિયાન ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. અમને માર માર્યા બાદ રસ્તા ઉપર છોડી મૂકવામાં આવ્યા હતા. માર મારવાના કારણે મારા સસરા ખૂબ જ ડરી ગયા હતા.તબિયત પણ ખુબ જ બગડી હતી.
હોસ્પિટલ ન ગયાઃ પોલીસના ડરના કારણે તેઓ હોસ્પિટલે પણ ગયા ન હતા. જેને કારણે અમે તેમને વાડીએ રાખ્યા હતા. આ પ્રકારની ઘટના બની તેના ચાર-પાંચ દિવસ થયા હતા. ત્યારે તેઓ શનિવારે વાડીએ ઊંઘ્યા હતા. અમે સવારે તેમને ઉઠાડ્યા તો તેઓ ઉઠ્યા જ ન હતા. પરિવારજનો દ્વારા પોલીસ પર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવતા સમગ્ર મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં હતા આવ્યા હતા. જેને લઈ રાજકોટ પોલીસ ઉચ્ચ અધિકારીએ પણ ચોખવટ કરી છે.
ગત તારીખ 3 -7 -2023ના રોજ આજીડેમ પોલીસ મથક વિસ્તારના સરધાર ગામ ખાતે એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં 40 થી 45 તોલા જેટલું સોનાની ચોરી કરવામાં આવી હતી. જ્યારે આ ચોરીની તપાસમાં જે પણ ટીમ લાગી હતી તેમના દ્વારા સીસીટીવીના આધારે ત્રણથી ચાર લોકોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. જેમાં મૃતક ઠાકરશીભાઈ સોલંકી પણ સામેલ હતા. જ્યારે પૂછપરછ બાદ પોલીસ દ્વારા મૃતક ઠાકરશીભાઈ સોલંકીને જવા દેવામાં આવ્યા હતા અને બીજા આરોપીઓની પૂછપરછ શરૂ હતી.---વિશાલ રબારી (એસીપી, રાજકોટ)
પીએમ કરાયુંઃ એસીપીએ જણાવ્યું કે રાજકોટ હોસ્પિટલ ખાતેથી પોલીસને માહિતી મળી કે, ઠાકરશીભાઈ સોલંકીને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે. તેઓ મૃત્યુ પામેલા છે. આ ઘટના મામલે પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા તેમને માર મારવામાં આવ્યા છે અને તેમના કારણે ઠાકરશીભાઈનું મૃત્યુ થયું છે. 10 દિવસ પહેલા જ તેમને પોલીસની પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા. મૃતકની બોડીનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું છે. જેના રિપોર્ટના આધારે જો કોઈ પણ આ પ્રકારની પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે આવશે તો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.