રાજકોટ : આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગને રાજકોટ રૂરલ એલસીબી તેમજ ઉપલેટા પોલીસ સાથે મળી મધ્યપ્રદેશથી ઝડપી લીધા છે અને ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ માંગી ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં સૌરાષ્ટ્રના રાજકોટના ધોરાજી, ઉપલેટા, ભાયાવદર સહિતના વિસ્તારોની અંદર અનેક ઘરફોડ અને વાહનો ચોરી તેમજ માલ-મિલકતની ચોરીના બનાવો સામે આવ્યા છે જેને લઇને રાજકોટ પોલીસની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી.
ચોરોનો તરખાટ મચ્યો હતો : આ બનાવમાં ઉપલેટા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોની અંદર ઘરફોડ ચોરીના બનાવ બનેલા હતાં. જેને લઈને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવતા આ સમગ્ર બાબતે રાજકોટ રુરલ એલસીબી પોલીસ તેમજ ઉપલેટા પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સમગ્ર ઘટનાને અંજામ આપનારા વ્યક્તિઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જેમાં પોલીસે ચોરી કરતી ગેંગના સાગરિતોને મધ્યપ્રદેશથી ઝડપે લીધા હોવાનું પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
આ ગેંગ ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી જેમાં ધોરાજી, ઉપલેટા, ભાયાવદર સહિતના વિસ્તારમાં થયેલી ચોરીની ઘટનાઓને લઈને પોલીસ દ્વારા તપાસ શરૂ હતી. ત્યારે ઉપલેટા પોલીસ તેમજ રાજકોટ રૂરલ એલસીબી પોલીસ ટીમ દ્વારા બાતમી મળતા તસ્કરીને અંજામ માપનાર ગેંગના સભ્યોને મધ્યપ્રદેશના ધાર જિલ્લા તથા અલીરાજપુર જિલ્લામાં જઈને ટેકનિકલ એનાલિસિસ ટીમના આધારે ઝડપી લીધા છે અને ઝડપાયેલા વ્યક્તિઓની અટકાયત કરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતાં. જેમાં તેમના રિમાન્ડ માંગ્યા હતા અને તેમના રિમાન્ડ મંજૂર થતાં ઊંડાણપૂર્વક તપાસ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે...કે. કે. જાડેજા (પીઆઈ, ઉપલેટા પોલીસ)
અનેક પ્રકારના ચોરીના બનાવને પોલીસની ટીકા : ઉપલેટા શહેર તેમજ ધોરાજી અને ભાયાવદર વિસ્તારની અંદર છેલ્લા એકાદ મહિનાથી તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો હતો જેમાં આ ઘટનાની અંદર અનેકના ઘરની અંદર ઘરફોડ ચોરી થઈ છે તો અનેકના વાહનો ચોરાયા હોવાનું પણ સામે આવ્યું હતું. આ અનેક પ્રકારના ચોરીના બનાવની અંદર પોલીસ ઢીલી નીતિ વાપરતી હોય અને ફરિયાદીઓની ફરિયાદ ન નોંધતી હોવાની પણ રાવ ઉઠી હતી. ત્યારે હાલ પોલીસે અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપનાર ગેંગને ઝડપી લીધી છે તેવું જણાવ્યું છે અને તેમના રિમાન્ડ મંજૂર કરાવી અને સમગ્ર બાબતની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે.
આરોપીઓના નામ : રાજકોટ રૂરલ એલસીબી પોલીસ અને ઉપલેટા પોલીસે સાથે મળી અને હાલ પોલીસ ઝડપેલા વ્યક્તિઓના નામ જાહેર કર્યા છે. જેમાં અગાઉ ખીમન ઉર્ફે ભિમસિંગ ટુસિયા મછાર અને રાજુ ઉર્ફે રાજ્યો રાયસિંહ સિંગાળા ઝડપાયા હતાં, જેમના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. બાદમાં દિલીપ ઉર્ફે ભાયા રતનસિંહ માવડા, મુકરામ રેમસિંગ મહેડા, આંબારમ ઉર્ફે ગળું જામસિંગ સિંગર નામના અન્ય ત્રણ વ્યક્તિને ઝડપી લીધા છે અને તેમના રિમાન્ડ માંગવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મુદ્દામાલની રીકવરી થશે કે નહીં? : ઉપલેટા, ધોરાજી, ભાયાવદર વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી, ઘરમાં રહેલા રોકડ તેમજ દાગીનાઓની ચોરીની અનેક ઘટનાઓ બની છે જેમાં પોલીસ ફરિયાદીની ફરિયાદ મુજબ ફરિયાદ ન નોંધતી હોવાની પણ અગાઉ રાવ ફરિયાદીઓ અને ભોગ બનનારાઓએ કરી હતી. ચોરીના બનાવોમાં પોલીસની ઢીલી નીતિની રાવ સામે આવતા લોકોમાં પણ રોષ ફેલાયો હતો અને લોકો પણ રાત્રે ખુદ ચોકીદારી કરવા મજબૂર બન્યા છે જો કે હજુ પણ પોલીસ ફરિયાદીની ફરિયાદ ન નોંધતી હોવાની રાવ ઉપલેટામાં યથાવત જોવા મળી રહી છે ત્યારે જિલ્લાની ટીમ હજુ કેટલી ચોરીઓનો ભેદ પકડે છે અને કેટલો મુદ્દામાલ ખરેખર રિકવરી કરે છે તેના પર સૌ કોઈની નજર છે.