રાજકોટ : ધોરાજી શહેરની નગરપાલિકા સંચાલીત સોનાપુરી સ્મશાન ગૃહની ઇલેક્ટ્રિક ભઠ્ઠી છેલ્લા બે માસથી બંધ છે. આ ભઠ્ઠી બંધ હોવાને કારણે મૃત્યુ પામેલ વ્યક્તિની અંતિમ વિધિ કરવા માટે લાકડાનો ઉપયોગ કરવો પડે છે. પણ હાલ વરસાદી વાતાવરણ હોવાને કારણે આ લાકડાઓ પણ પલળેલાની હાલતમાં હોવાથી અંતિમક્રિયામાં અતિશય તકલીફ માર પડી રહ્યો છે.
મજબૂરી વચ્ચે અંતિમ સંસ્કાર : આ અંગે સ્થાનિક દિનેશ વોરાએ જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા સંચાલિત સોનાપુરી કે જે કુંભારવાડા નજીક આવેલ સ્મશાન ગૃહની હાલત અતિશય દયનીય છે. છેલ્લા બે માસથી અહિયાંની ઇલેક્ટ્રીક ભઠ્ઠી બંધ છે. હાલ અવસાન પામેલા વ્યક્તિની અંતિમ સંસ્કાર કરવા માટે લાકડાનો સહારો લેવો પડે છે. જેમાં હાલ વરસાદને કારણે અતિશય તકલીફ પડી રહી છે. આ સ્મશાનમાં લાકડા વરસાદને કારણે પલડી ગયેલા હોય તેથી અંતિમ સંસ્કાર કરવા માટે મૃતકના સ્વજનોએ સાથે મજબૂરી પેટ્રોલ, ડીઝલ તેમજ ટાયરથી અંતિમ સંસ્કાર કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો : સ્મશાન પણ નસીબ ન થયુ, પરિવારે મૃતદેહ ઘરમાં રાખવાની ફરજ પડી
ધાર્મિક લાગણીઓ દુભાય : હિન્દુ સંસ્કૃતિ મુજબ જીવનનો અંતિમ વિસામો એટલે સ્મશાન છે, પણ આ અંતિમ વિસામો મૃત્યુ પામ્યા બાદ અંતિમ સંસ્કાર કરવા માટે હેરાન કરતું હોય તેવું સામે આવ્યું છે. આ બાબતને લઈને હાલ અહિયાં આવતા લોકોની ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. ધોરાજીના સ્મશાન ગૃહમાં એક સાથે બે મૃતદેહ અંતિમ સંસ્કાર કરવા માટે આવેલા ત્યાર અહિયાં ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ બંધ હોવાથી એક મૃતદેહને બાળવા માટે લાકડાની મદદ લેવી પડે છે. જેમાં ભીના લાકડાઓ તકલીફ આપી રહ્યા છે.
આ પણ વાંચો : A unique funeral procession in Rajkot : રાજકોટમાં વાજતેગાજતે નીકળી 103 વર્ષીય વૃદ્ધની સ્મશાન યાત્રા, લોકોની ભીડ ઉમટી
સ્માશાનના કામમાં પણ ઢીલી નીતિ : સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ધોરાજી નગરપાલિકા કચેરીની ઘોર બેદરકારી સામે આવી છે. કારણ કે, અહિયાં ઇલેક્ટ્રીક ભઠ્ઠી રીપેરીંગ કરવામાં આવતી નથી. સ્મશાનમાં પડેલા લાકડાઓ પણ વરસાદના કારણે પલળી જતાં હોય છે. તેથી અંતિમ સંસ્કાર વિધિ કરવા માટે પેટ્રોલ-ડીઝલનો તેમજ અન્ય જ્વલંત પદાર્થ કે વસ્તુનો ઉપયોગ કરી અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જે હિન્દુ લોકોની ધાર્મિક લાગણી દુભાય છે, ત્યારે તંત્ર આ કામમાં પણ ઢીલાશ વાપરશે કે પછી અંતિમ વિધિ માટે પડતી મુશ્કેલી અંગે તાત્કાલિક નિવારણ લાવશે તે તો આવતા દિવસોમાં ખ્યાલ આવશે, પરંતુ હાલ તો અવસાન પામેલા લોકોના પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.