રાજકોટ: ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં દર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે આ બધાની વચ્ચે ફરી એક વખત રાજકોટ મનપા દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને સૌની યોજના મારફતે નર્મદાના નીરની માંગણી કરવામાં આવી છે. જે પાણી રાજકોટના અલગ અલગ ડેમોમાં ઠાલવવામાં આવશે. જેના કારણે આગામી દિવસોમાં ઉનાળામાં રાજકોટ વાસીઓ આ પાણી મળી રહેશે. જ્યારે આ વર્ષે જો ચોમાસુ પાછું ઠેલાય તો પણ રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યા નહીં રહે. રાજકોટ મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે આ નર્મદાના નીરની માંગણી કરવામાં આવી છે.
પાણીનું વિતરણ: હાલ રાજકોટ 350 MLD પાણીની જરૂરિયાત અંગે રાજકોટ મનપા કમિશનર એવા આનંદ પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે' હાલ આપણા રાજકોટમાં દૈનિક 350 MLD પાણીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે રાજકોટમાં આપણે ચાર મુખ્ય અલગ અલગ સ્ત્રોતો મારફતે પાણી મળી રહ્યું છે. જેમાં ખાસ કરીને આજી ડેમ, ન્યારી ડેમ, ભાદર ડેમ અને નર્મદાનું પાણી મળી રહે છે. ઉનાળાને ધ્યાનમાં રાખી રાજકોટના લોકોને જરૂરિયાત મુજબનું પાણી મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર પાસે આજીડેમ 1માં 430 MCFT અને ન્યારી ડેમ 1માં 280 MCFT પાણીની જરૂરિયાત ઊભી થઈ શકે તે માટે આપણે રાજ્ય સરકારને નર્મદાના નીર માટે પત્ર લખ્યો છે.
કોર્પોરેશન માટે કસોટી: જ્યારે રાજકોટમાં પીવાના પાણીની વાત કરવામાં આવે તો રાજકોટમાં નવા ભળેલા વિસ્તાર એવા વાવડી, મવડી તેમજ ઘંટેશ્વર, મુંજકા અને નાના મૌવા સહિતના અલગ અલગ વિસ્તારમાં હજુ પણ પીવાના પાણીની સમસ્યા છે. એવામાં સ્થાનિકો મોટા પ્રમાણમાં રજૂઆત માટે કોર્પોરેશન ખાતે દોડી આવે છે. જેને કોર્પોરેશન દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે. પરંતુ તેની પાણીની સમસ્યા યથાવત જોવા મળે છે. આ બધાની વચ્ચે રાજકોટમાં ઉનાળામાં અલગ અલગ વિસ્તાર વાસીઓને તો પૈસા ખર્ચએ પીવાનું પાણી લેવું પડતું હોય છે. જે પણ એક ખૂબ જ મોટી સમસ્યા છે.