રાજકોટઃ શહેરમાં 3 કરોડના ખર્ચે બનેલ ઈન્ડો અમેરિકન પોર્ટેબલ હોસ્પિટલ અત્યારે ખસ્તા હાલતમાં છે. આ હોસ્પિટલ દેખરેખને અભાવે જર્જરીત સ્થિતિમાં જોવા મળે છે. કોરોના મહામારીની બીજી લહેરમાં દર્દીઓને તાત્કાલીક અને સઘન સારવાર મળી રહે તે માટે આ પોર્ટેબલ હોસ્પિટલ ચૌધરી સ્કૂલના મેદાનમાં તૈયાર કરવામાં આવી હતી. જો કે રાજકોટ સિવિલ હોસ્પિટલે કોરોનાની ત્રીજી લહેરમાં આ પોર્ટેબલ હોસ્પિટલનો ઉપયોગ કર્યો હતો.
3 કરોડનો ખર્ચઃ કોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓને સઘન અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કુલ 3 કરોડના ખર્ચે 100 બેડની આ ઈન્ડો અમેરિકન પોર્ટેબલ હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. જો કે ત્રીજી લહેરમાં દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર પૂરી પાડવામાં આવી હતી. ત્યારથી લઈને આ હોસ્પિટલની હાલત દેખરેખ અને ઉપયોગના અભાવે બિસ્માર થઈ ગઈ છે. આવી પોર્ટેબલ હોસ્પિટલ સમગ્ર રાજ્યમાં એકમાત્ર છે. તેમ છતાં જાળવણીના અભાવે આ હોસ્પિટલ ખંડેરમાં ફેરવાઈ ગઈ. તેના પોર્ટેબલ બેડ, ટેન્ટ તેમજ અન્ય સુવિધાઓની અવદશા થઈ છે.
અસામાજિક તત્વોનો અડ્ડોઃ સમગ્ર રાજ્યમાં એક માત્ર અને 3 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઈન્ડો અમેરિકન પોર્ટેબલ હોસ્પિટલ અત્યારે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. રાત્રે આવા ઈસમો અહીં અડીંગો જમાવે છે. આ લોકો આ પોર્ટેબલ હોસ્પિટલમાં દારુની મહેફિલ પણ માણતા હોય છે. સવારે જ્યાં ત્યાં દારુની બાટલીઓ આ બાબતની ચાડી પૂરે છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન આ પોર્ટેબલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મહામારીની બીજી અને ત્રીજી લહેર દરમિયાન દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. હવે મહામારીની કોઈ સ્થિતિ રહી નથી. તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ 700 બેડ વધારવાની કામગીરી ચાલી રહી છે. તેથી આ પોર્ટેબલ હોસ્પિટલની વર્તમાનમાં કોઈ જરુરિયાત નથી. અગાઉ વાવાઝોડામાં આ હોસ્પિટલના ચારમાંથી બે ડોમને નુકસાન થયું હતું. ટૂંક સમયમાં આ હોસ્પિટલને ડિસમેન્ટલ કરી દેવામાં આવશે...ડૉ. આર. એસ. ત્રિવેદી(સુપ્રિન્ટેડન્ટ, સિવિલ હોસ્પિટલ, રાજકોટ)