ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાજકોટ ખાતે રમાયેલી બીજી વન-ડે મેચમાં ભારતે 36 રને જીત હાંસલ કરી હતી. ત્યારે મુખ્ય પ્રધાન રૂપાણી પણ ખંઢેરી સ્ટેડિયમ ખાતે આ મેચ નિહાળવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ફિન્ચ અને વિજેતા ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીને ટ્રોફી એનાયત કરી હતી.
અન્ય તસ્વીરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ નિરંજન શાહ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, પોલીસ અધિક્ષક બલરામ મીના, અગ્રણી કમલેશભાઈ મિરાણી, ભરતભાઈ બોધરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવ્યું હતું. તેમજ ટીમ ઇન્ડિયાએ આ સાથે ગ્રાઉન્ડ પર પોતાની પ્રથમ જીત મેળવી હતી. ખંઢેરીમાં ચેઝ કરનાર ટીમનો હારવાનો ક્રમ જારી રહ્યો છે. આ પહેલાની બંને વન ડેમાં ભારતે 2013માં ઇંગ્લેન્ડ સામે 9 રને અને 2015માં દ. આફ્રિકા સામે 18 રને હારનો સામનો કર્યો હતો. 341 રનના લક્ષ્ય તરફ આગળ વધતા કરતા કાંગારું 49.1 ઓવરમાં 304 રનમાં ઓલ આઉટ થયુ હતું.
સ્ટીવ સ્મિથે 102 બોલમાં 9 ફોર અને 1 સિક્સની મદદથી 98 રન કર્યા હતા. જો કે, તેને સામે છેડેથી ટેકો મળ્યો નહોતો. ભારત માટે મોહમ્મદ શમીએ 3 વિકેટ, નવદીપ સૈની, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. ત્રણ વનડે સીરિઝ 1-1ની બરાબરી પર છે. ત્રીજી વનડે રવિવારે બેંગ્લુરુમાં રમાશે.