રાજકોટ : રાજકોટમાં વાહનચાલકો જાણે બેફામ થયા હોય તે પ્રકારે એક બાદ એક અકસ્માત સામે આવી રહ્યા છે. રાજકોટમાં સવારે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક એક સ્કોર્પિયો કારે ચાર જેટલા વાહનોને લીધા હતા. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. એવામાં બપોરના સમયે શહેરના માધાપર ચોકડી નજીક ભારત સરકાર લખેલી ઈનોવા કાર દ્વારા ત્રણ જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં એક્સેસ ચાલક યુવાનને ઇજા પહોંચતા તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ભારત સરકારની ગાડી : અકસ્માતને પગલે જ્યોતિબેન બાબરીયા નામના મહિલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે માધાપર ચોકડી નજીક આવેલી બાબરિયાની વાડી ખાતે રહીએ છીએ. અમારો છોકરો સ્કૂલેથી બાળકોને લઈને અહીંયા ઘર પાસે ઉતારીને જઈ રહ્યો હતો. એ દરમિયાન એક ગાડી પૂર ઝડપે આવી હતી. અહીં એક્સેસને અડફેટે લીધું હતું.
આ ઇનોવા કાર દ્વારા ત્રણ જેટલા વાહનોને અડફેટે લેવામાં આવ્યા હતા. જેમાં એક્સેસ, સીટી બસ અને એક કારનો સમાવેશ થાય છે. આ અકસ્માત સર્જનાર કારમાં એક વ્યક્તિ સવાર હતો. જેને અજાણ્યા ભાઈ દ્વારા લઈ જવામાં આવ્યો હતો.-- જ્યોતિબેન બાબરીયા (સ્થાનિક)
એક ઘાયલ : પોલીસમાંથી મળતી માહિતી અનુસાર માધાપર ચોકડી નજીક અકસ્માત સર્જનાર ઇનોવા કાર ઉપર ભારત સરકાર લખેલું હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આ કાર ઇન્કમટેક્સ વિભાગની હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે. બીજી તરફ કાર દ્વારા અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ સમગ્ર મામલે પોલીસે દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પરંતુ રાજકોટમાં કારચાલકો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ઓવર સ્પીડ અકસ્માત કરી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. ત્યારબાદ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.