રાજકોટ : તાજેતરમાં જ ગુજરાતના ગરબાને યુનેસ્કોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઇને આજે રાજકોટ ભાજપ મહિલા મોરચો દ્વારા તેની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ મહિલા મોરચા દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા અને આ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે રાજકોટના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ધારાસભ્ય ડૉ દર્શિતા શાહ પણ મહિલા મોરચા સાથે ગરબે રમ્યા હતાં.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કર્યો હતો પ્રચાર : આ કાર્યક્રમ માટે રાજકોટ આવેલા ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગરબાના તાલે ઝૂમીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાજપ મહિલા મોરચા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
જ્યારે ગુજરાતની મહિલા મોરચાની ટીમ દ્વારા તાજેતરમાં જ યોજાયેલી અલગ અલગ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં સરાનીય કામ કરવામાં આવ્યું છે. જેમાં પણ રાજકોટની મહિલા મોરચો આગળ રહ્યો હતો. વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાંથી 204 જેટલી મહિલાઓ રાજસ્થાન અને અન્ય પ્રદેશની ચૂંટણીઓમાં જોડાઈ હતી તેમજ આ પ્રદેશમાં ભાજપને જીત અપાવવામાં તેમનો ફાળો રહ્યો છે. જ્યારે રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે જ આજે ગરબા રમીને યુનેસ્કો દ્વારા ગરબાની જે સ્થાન આપવામાં આવ્યું છે તેની ઉજવણી કરવામાં આવી હતી...દીપિકા સરડવા ( ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ )
લોકસભાની ચૂંટણી માટે ભાજપ તૈયાર : ભાજપ પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજનાર છે. જ્યારે લોકસભામાં પણ ભાજપની જીત થશે અને તેના માટેની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલ હું પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે રાજકોટ મહાનગર ખાતે આવી છું. જ્યારે આ મુલાકાતને લઈને એવું અનુમાન ન લગાવી શકાય કે આગામી ચૂંટણીમાં મને રાજકોટમાંથી લોકસભાની ટિકિટ મળશે. તેમજ આગામી દિવસોમાં પણ પાર્ટી દ્વારા જે પણ સૂચના આપવામાં આવશે તેનું પાલન હું કરીશ. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. એવામાં હવે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે ભાજપના પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા રાજકોટ ભાજપના કાર્યાલય ખાતે આવી પહોંચ્યાં હતાં.