રાજકોટ: રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જાહેરમાં જ ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીને લોકસભામાં મોકલવા માટેની ઑફર કરતા રાજકોટના રાજકારણમાં ચર્ચાનો વિષય છેડાયો છે. પાટીદાર સમાજમાં સારું એવું પ્રભુત્વ ધરાવતા મૌલેશ ભાઈ કડવા પાટીદાર છે. તેમજ તેમનો પરિવાર દાન અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ખુબ જ જાણીતો છે. એવામાં સી.આર.પાટિલે રાજકોટના આ ઉદ્યોગકારને લોકસભાની ચૂંટણી માટેની ઓફર કરતા રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
પાટીલની જાહેર ઓફર: રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણીના જન્મદિવસે આયોજીત રકતદાન કેમ્પમાં હાજરી આપવામાં માટે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક વર્તમાન પત્રમાં આવ્યું હતું કે, મૌલેશભાઈને લોકસભામાં લઈ જવાના છે. જો મૌલેશભાઈ આવતા હોય તો અમે ચોક્કસ તેમને લઈ જઈએ. જ્યારે આ પ્રકારનું જાહેરમાં સી.આર.પાટીલ દ્વારા નિવેદન કરવામાં આવતા સ્ટેજ પર બેસેલા ભાજપના અન્ય નેતાઓ પણ થોડા સમય માટે આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે, ત્યારબાદ પાટીલે વધુમાં જણાવ્યું હતું કે મૌલેશભાઈ જે રીતે લોકોની સેવા કરે છે તે બરાબર કરે છે.
મોલેશ ઉકાણીએ ઓફર અસ્વીકારી: આ પ્રસંગે મૌલેશ ઉકાણીએ જણાવ્યું હતું કે, મે ગઈકાલે જ વાત કરી હતી કે મારો રસ્તો દ્વારકાનો છે, ગાંધીનગર કે દિલ્હીનો મારો રસ્તો નથી. અને આજ માકો આ કાયમી નિર્ણય છે અને રહેશે આમ તેમણે આડકતરી રીતે રાજકારણમાં ક્યારેય ન આવવાની વાત કરી હતી. મૌલેશ ઉકાણીએ જણાવ્યું હતું કે, સી.આર.પાટીલની આ લાગણી હશે પરંતુ મારો એજ નિર્ણય છે કે, મને દ્વારકામાં ભગવાનના ચરણમાં સ્થાન મળે.
મોહન કુંડારિયાના સ્થાને નવો ચહેરો ? ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે રાજકોટની લોકસભાની બેઠક પરથી મોહન કુંડારિયા સાંસદ બન્યા છે. તેમને છેલ્લે ઘણી ટર્મથી ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. એવામાં આ વખતે રાજકોટની લોકસભાની બેઠક પરથી ભાજપ નવા ચહેરાને સ્થાન આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ પાટીલના આ પ્રકારના નિવેદનથી જોવા મળી રહ્યું છે.