રાજકોટ : રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયનું બાલાજી મંદિર વિવાદમાં આવ્યું છે. જ્યારે આ મામલે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત માટે પહોંચ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે, બાલાજી મંદિર બનવાના નામે શાળાની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. અહીં મનપાની મંજૂરી વિના ત્રણ માળનું બિલ્ડિંગ ઉભું કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટના બાલાજી મંદિરમાં સફાઈ કરીને રાજ્યભરમાં તીર્થ સ્થાનો પર સફાઈ અભિયાન શરૂ કરાવ્યું હતું. ત્યારે મંદિરમાં ગેરકાયદેસર બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી જવા પામી છે.
મંદિરને લઈને શું થયા આક્ષેપ : આ મામલે એડવોકેટ રાજેશ જલુએ જણાવ્યું હતું કે, મંદિરને લઈને કાર્યવાહી કરવાનો મતલબ અમારો એ નથી કે અમારે મંદિર મામલે વિરોધ છે. પરંતુ આ જ્યાં મંદિરનું બાંધકામ થઈ રહ્યું છે તે રાજકોટની ખુબ જ જૂની અને ઐતિહાસિક સ્કૂલ છે. જે રાજકોટના રાજા દ્વારા સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વર્ષો જૂની આ સ્કૂલ છે. એવામાં આ સ્કૂલનો ઐતિહાસિક વારસો જળવાઈ રહે તે માટે આ સ્કૂલનું સંચાલન કરવા માટે ટ્રસ્ટ અને જગ્યા આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Cleaning Campaign : ભાજપના કાર્યકરો મંદિર વિસ્તારમાં સાફ સફાઈ કરીને ગયા બાદ જૈસે થે વેસે જેવા દ્રશ્યો
મામલો કોર્ટે પહોંચ્યો : વધુમાં જણાવ્યું હતું જ્યારે સરકાર દ્વારા આ સ્કૂલ ટ્રસ્ટને આપવામાં આવી ત્યારે 12 શરતો રાખવામાં આવી હતી, પરંતુ આ 12 શરતોનું ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ પણે કરવામાં આવ્યું છે અને મંદિરમાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. આ ગેરકાયદેસર બાંધકામને લઈને અમે કોર્ટની કાર્યવાહી કરી છે. જ્યારે કોર્ટે પણ આ મામલે નોંધ લઈને હાલ જે કામગીરી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહી છે. તેને બંધ કરવાનું કહેવામાં આવ્યું છે, છતાં પણ અહીંયા કામગીરી બંધ કરવામાં આવી નથી.
આ પણ વાંચો : Rajkot News : રાજકોટના બાલાજી મંદિરમાં સીએમ સફાઈ કરશે, કાર્યક્રમ પાછળ છુપાયો છે મહત્ત્વનો હેતુ
રાધારમણ દાસને આ મામલે કંઈ ખબર નથી : તો બીજી તરફ આ મામલે રાજકોટ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના મહંત રાધારમણ દાસે જણાવ્યું હતું કે, બાલાજી મંદિર કોઈ એક સંસ્થાનું મંદિર નથી. જ્યારે તેનો વહીવટ મંદિરના લક્ષ્મીનારાયણ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. આ સમગ્ર મામલાની હકીકત તેમને ખબર છે. જોકે મેં તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ કોઈ કાર્યક્રમમાં હોય જેના કારણે મારી તેમની સાથે વાત થઈ નથી. હવે આ સમગ્ર મામલે તેઓ જ વધુ વિગત આપી શકશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટના બાલાજી મંદિર ખાતે બે દિવસ પહેલા જ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મંદિર વિવાદમાં આવ્યું છે. જ્યારે સ્થાનિકો દ્વારા આ મંદિરમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેને લઈને શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.