રાજકોટ : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1 અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પોતાનો દિવ્ય દરબાર યોજનાર છે, ત્યારે આ દિવ્ય દરબારને લઈને બાગેશ્વર ધામ સેવા સમિતિ દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેને લઇને શહેરના અલગ અલગ વિસ્તારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના મોટા મોટા પોસ્ટર અને બેનર્સ લગાવવામાં આવ્યા છે, ત્યારે શહેરના રૈયા વિસ્તારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટર અજાણ્યા શખ્સો દ્વારા તોડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, વિજ્ઞાન જાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે, ત્યારે એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
રૈયા વિસ્તારમાં ફાડવામાં આવ્યા બેનર્સ : રાજકોટન રૈયા વિસ્તારમાં આવેલા રામાપીર ચોકડી નજીક બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટર ફાડવામાં આવ્યા છે. જોકે આ પોસ્ટર કોને ફાડ્યા છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ અજાણ્યા શખ્સો દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટર ફાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે રાજકોટ શહેરના અલગ અલગ માર્ગો ઉપર ધીરેન્દ્ર શાસ્ત્રીના નાના મોટા થઈને અંદાજિત 500 જેટલા બેનર્સ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે, ત્યારે તારીખ 1 અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાનો દિવ્ય દરબાર યોજનાર છે. એવામાં આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ પણ હરકતમાં આવી છે.
સૌરાષ્ટ્રભરમાંથી આવશે 1 લાખથી વધુ ભક્તો : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજનાર છે, ત્યારે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બે દિવસ આ કાર્યક્રમ ચાલશે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જ્યારે રાજકોટ બાગેશ્વર ધામ સમિતિ દ્વારા આ માટેની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં 32 અલગ અલગ કમિટીઓ બનાવવામાં આવી છે અને આ કમિટીઓના મેમ્બરને અલગ અલગ કામની સોંપણી કરવામાં આવી છે. બાગેશ્વર ધામ સમિતિ દ્વારા મુખ્યત્વે ટ્રાફિક વ્યવસ્થા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેના કારણે જો મોટા પ્રમાણમાં લોકો અહીંયા એકઠા થાય તો તાત્કાલિક ટ્રાફિકની સમસ્યા દૂર કરી શકાય. આ સાથે જ કાર્યક્રમના આવનાર લોકોને નિશુલ્ક ફૂડ પેકેટ, છાશ અને પાણીનું વિતરણ પણ કરવામાં આવશે. હાલ બાગેશ્વર ધામના વિરેન્દ્ર શાસ્ત્રીનો રેસકોસ ગ્રાઉન્ડ ઉપર સ્ટેજ પણ તૈયાર થઈ રહ્યો છે.