રાજકોટ: ફરી એક વખત રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. જ્યારે આ રખડતા ઢોરના ત્રાસના કારણે એક યુવાનનું મોત નિપજ્યું છે. શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા લોઠડા નજીક એક યુવાન બાઈક લઈને રસ્તા ઉપર જઈ રહ્યો હતો. જેની વચ્ચે ગાય આડી ઉતરતા આ યુવાન દ્વારા બાઈક ઉપરથી કાબૂ ગુમાવવામાં આવ્યો હતો. જેના કારણે યુવાનનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. ત્યારે આ ઘટનામાં યુવાનો મોત નીપજ્યું હતું. રખડતા ઢોરના ત્રાસના કારણે યુવાનનું મોત થતા હવે આ મામલે હવે આજીડેમ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
બે વર્ષ પહેલા લગ્ન: રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં આવેલા લોઠડા ગામે રહેતા સંજય હકાભાઇ નાકડુકિયા નામનો યુવાન પોતાના બેંકના ખાતામાં પગાર આવ્યો હોવાના કારણે તે લોધિકાથી ખોખડદળ વચ્ચે એટીએમમાં પૈસા ઉપાડવા જઈ રહ્યો હતો. એવામાં રસ્તામાં અચાનક ગાય વચ્ચે આવતા યુવાને બાઈક ઉપરથી કાબુ ગુમાવ્યું હતું અને તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું. જે ઘટનામાં તેને ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સંજયને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું છે. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંજયના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને તે મોટર બાંધવાનું કામ કરતો હતો.
પોલીસ દ્વારા વધુ તપાસ: રાજકોટમાં રખડતા ઢોરના કારણે યુવાનનો ભોગ લેવાતા ફરી તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ અગાઉ રાજકોટમાં ભોમેશ્વર વિસ્તારમાં એક નિવૃત્ત આર્મીમેનને રખડતા ઢોર દ્વારા અડફેટે લેવામાં આવ્યા હતા. ત્યારબાદ શહેરના મવડી પોલીસ હેડક્વાટર નજીક પણ ત્રણ જેટલી મહિલા કોસ્ટેબલને રખડતા ઢોર દ્વારા અડફેટે લેવામાં આવી હતી. જેમાં પણ તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે ફરી વખત આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. જોકે હાલ રખડતા ઢોરના કારણે એક યુવાનનું મોત થતા સમગ્ર મામલે રાજકોટની આજીડેમ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.