રાજકોટઃ શહેરના જામનગર રોડ પર આવેલ 40 વર્ષ જૂના સાંઢીયા પુલનું નવિનીકરણ કરીને ફોરલેન બનાવવામાં આવશે. આ પુલના નવિનીકરણ પાછળ અંદાજિત રૂ.60 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ પુલના નવિનીકરણ બાદ અહીંથી પસાર થતા 1 લાખ કરતાં વધુ વાહન ચાલકોને તેનો લાભ થશે. તેમજ આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે. અત્યારે આ પુલના નવિનીકરણ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
શહેરના વોર્ડ નંબર 3માં સાંઢીયો પુલ આવેલ છે. અહીંથી જામનગર રોડ પર સતત વાહનોની અવરજવર થતી હોય છે. હવે આ પુલને ફોરલેન બનવામાં આવશે. જેના કારણે અહીંથી ભારે વાહનો પણ સહેલાઈથી પસાર થઈ શકશે. આ પુલ નવિનીકરણની ટેન્ડરિંગ પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી દિવસોમાં પુલ નવિનીકરણની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. આ રસ્તા પર એઈમ્સ હોસ્પિટલ પણ આવેલી છે તેથી ફોરલેન પુલ બનવાના કારણે અહી આવતા દર્દીઓને પણ તેનો લાભ મળશે...નયના પેઢડીયા(મેયર, રાજકોટ)
નવિનીકરણમાં અંદાજિત 2 વર્ષનો સમયઃ સાંઢીયો પુલ મનપા હસ્તક આવે છે તેમજ પુલ નીચેથી ટ્રેન પસાર થતી હોવાથી રેલવે વિભાગ પણ સંકળાયેલ છે. આ પુલના નવિનીકરણ મામલે રાજકોટ કોર્પોરેશન તેમજ રેલવે વિભાગની અનેક બેઠકો યોજાઈ હતી. જ્યારે અહી પુલનું નિર્માણ કાર્ય શરૂ થાય ત્યારે વિસ્તારમાંથી અન્ય રસ્તો પસાર કરવા માટે પણ જમીનનું સંપાદન કાર્ય કરવું પડે તેમ હતું. આ બધી પ્રક્રિયા બાદ હવે રેલવે વિભાગ દ્વારા પણ પુલની ડીઝાઈનને મંજુર કરવામાં આવી છે. ત્યારે હવે ટૂંક સમયમાં આ બ્રીજનું નવિનીકરણ શરૂ કરવામાં આવશે. કામ શરૂ થયા બાદ 2 વર્ષ સુધીમાં આ પુલનું નવિનીકરણ પૂરુ થવાની ગણતરી છે.