રાજકોટ : સ્વામિનારાયણ સંપ્રદાયના સાળંગપુર મંદિરમાં હનુમાનજીને દાસ દર્શાવતાં ભીંતચિત્ર મામલે ગુજરાતભરમાં સાધુસંતો તેમજ વિવિધ સમાજના સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સાધુ સંતોમહંતો દ્વારા પણ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં રાજકોટમાં અલગ અલગ સંગઠનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ પ્રકારનું કૃત્ય કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.
સૌથી પહેલાં બ્રહ્મસમાજ દ્વારા વિરોધ : સાળંગપુરના આવેલી હનુમાનજીની પ્રતિમાની નીચે હનુમાનજીના વિવાદિત ચિત્રો લગાવવા મામલે સૌથી પહેલા રાજકોટમાં બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં તેમને આ ચિત્રો મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પણ ચેતવણી આપી હતી કે જો તેઓ તાત્કાલિક આ વિવાદિત ચિત્રો દૂર નહીં કરે તો સાળંગપુર ખાતે જઈને તેમના દ્વારા વિરોધ કરવામાં આવશે.
ઉગ્ર સૂત્રોચ્ચાર : આ મામલે બ્રહ્મસમાજના લોકો દ્વારા રાજકોટમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં અને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. બ્રહ્મસમાજ બાદ રાજકોટમાં કરણી સેના દ્વારા આ મામલે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં કરણી સેનાએ પણ હનુમાનજીના વિવાદિત ચિત્રો તાત્કાલિક દૂર કરવાની માંગણી કરી હતી.
મહિલા કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર : જ્યારે બ્રહ્મસમાજ અને કરણી સેના દ્વારા હનુમાનજીના વિવાદિત ચિત્રો મામલે વિરોધ કરવામાં આવતા રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં ગઈકાલે મહિલા કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હનુમાનજીની વેશભૂષા સાથે આ વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
બેઠક યોજી રણનીતિ ઘડાશે : આ બધાની વચ્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પરના અલગ અલગ સાધુ સંતો અને મહંતો દ્વારા પણ આ આ મામલે વિરોધ નોંધવામાં આવ્યો હતો. જ્યારે એવી પણ ચર્ચા છે કે આગામી દિવસોમાં રાજ્યભરના સંતો મહંતો અને સનાતન ધર્મના લોકો વિવાદિત ચિત્ર મામલે એક બેઠક યોજશે છે અને આગામી દિવસોમાં આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવી તેની રણનીતિ બનાવશે.
રાજકોટ સ્વામિનારાયણ મંદિરમાં પહોંચ્યાં : સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ચિત્રો મામલે રાજકોટમાં સનાતન ગ્રુપના યુવાનો ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતાં. અહીં સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો અને મહંતો હનુમાનજીની સેવા કરતા હોય તે પ્રકારના ચિત્રો લગાવ્યા હતા. જ્યારે આ યુવાનોની માંગણી હતી કે સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ચિત્રો દૂર કરવામાં આવશે ત્યારબાદ જ ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરમાંથી સનાતન ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા ચિત્રો દૂર કરવામાં આવશે. હનુમાનજીને દાસ દર્શાવતાં ભીંતચિત્ર મામલે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં સાધુસંતો અને મહત્વની બેઠકમાં કયા પ્રકારનો નિર્ણય લેવાશે તે અંગેની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે.