રાજકોટઃ કોરોનાના કહેર વચ્ચે હાલ લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે છાના ખૂણે સોપારી તમાકુનો જથ્થો સંગ્રહ કરતાં કાળાબજારિયાઓને ગોંડલ આશાપુરા ચોકડી પાસે પોલીસે ત્રણ ગુણી સોપારીના જથ્થા સાથે બે સગા ભાઈઓને ઝડપી પાડ્યાં છે.
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે આશાપુરા ચોકડી પાસે ફરજ બજાવતા પી.એસ.આઇ એનવી હરિયાણી, રામવિજયસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને પુરપાટ ઝડપે દોડીને આવી ઊભી રહેલી ઇકો કાર પર શંકા જતા તેની તપાસ કરી હતી. જેમાંથી હાલના સંજોગોમાં મહામૂલી બનેલી સોપારીની ત્રણ ગુણી મળી આવતા અમરીશ ગિરધરભાઈ ભુવા રહે ધુળસીયા અને તેના ભાઈ અમિતની ધરપકડ કરી 2,88,720 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાન-મસાલામાં મુખ્ય ઉપયોગમાં આવતી સોપારી સામાન્ય પરિસ્થિતિમાં બજારમાં આશરે 300 રૂપિયા કિલો મુજબ મળતી હોય છે, પરંતુ લોકડાઉનના કારણે કિલોનો ભાવ 1000 રૂપિયાથી પણ વધુ બોલાઈ રહ્યો છે. એક સોપારી ગુણમાં 65 કિલો સોપારી આવતી હોય છે તો આ જથ્થાની વર્તમાન કિંમત 2 લાખ જેવી ગણી શકાય.