રાજકોટઃ સૌરાષ્ટ્રના મહાનગર ખાતે હીરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે. એવામાં આ એરપોર્ટનું કામ હવે પૂર્ણતાના આરે છે. ત્યારે આ એરપોર્ટનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે થાય તેવી શક્યતાઓ છે. જ્યારે આ મામલે રાજકોટ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પરંતુ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ અંગે હજુ સુધી વહીવટી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વડાપ્રધાન મોદીના રાજકોટ પ્રવાસને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
ક્લેક્ટરની વાતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 27 જુલાઈના રોજ રાજકોટના હીરાસર ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. ત્યારે આ મામલે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમને આ મામલે માત્ર ટેલિફોનિક સૂચનાઓ મળી છે. જેના આધારે અમે તૈયારીઓ શરૂ કર્યું છે. હજુ સુધી આ મામલે સત્તાવાર કોઇપણ જાહેરાત અમને ઈમેલ અથવા લેખિત આપવામાં આવી નથી. જેને લઇને એવું કહી શકાય છે કે, હજુ તારીખ 27 જુલાઈ પણ સંભવિત તારીખ માનવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટઃ હીરાસર એરપોર્ટની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં સૌથી મોટો રનવે રાજકોટ હીરાસર એરપોર્ટનો છે. જે 3.4 કિલો મીટરનો છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ હિરાસર એરપોર્ટનું ખાતમુહર્ત કર્યું હતું. જ્યારે હવે હીરાસર એરપોર્ટનું નિર્માણનું કામ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ આ એરપોર્ટનું લોકાર્પણ પણ કરવામાં આવે તે પ્રકારનો તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે.
ઉદ્યોગકારોને સીધો લાભઃ બીજી તરફ હીરાસર એરપોર્ટ શરૂ થવાના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારોને તેનો સીધો લાભ મળશે. આ સાથે જ હિરાસર એરપોર્ટના કારણે એક દેશમાંથી બીજા દેશમાં પણ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રમાંથી વેપારીઓ સહેલાઈથી મુસાફરી કરી શકશે. જોકે, હાલમાં રાજકોટમાં જે એરપોર્ટ છે એને પણ ઓથોરિટી તરફથી લાંબી ફ્લાઈટના લાભ આપી દેવાયા છે. જેના કારણે રાજકોટ સહિત આસપાસના લોકોને ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને દિલ્હી અને મુંબઈની ક્નેક્ટિવિટી મળી રહેતા પ્રવાસીઓ સહિત ઉદ્યોગપતિઓને પણ લાભ થઈ રહ્યો છે.