રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરવાના છે. એવામાં એરપોર્ટના લોકાર્પણ બાદ પીએમ મોદી રાજકોટના રેસકોસ ખાતે આવેલા ગ્રાઉન્ડમાં એક લાખથી વધુ લોકોને સંબોધન કરવાના છે. જેને ભાગરૂપે ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા એક લાખ લોકોને રાજકોટ ખાતે સભા સ્થળે પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
1300 બસની વ્યવસ્થા: સૌરાષ્ટ્ર ભરના અલગ અલગ જિલ્લાઓમાં 1300 બસો રાખવામાં આવી હતી. આ બસો ગઈકાલે જે જે તે વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને આજે વહેલી સવારે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને લઈને રાજકોટ ખાતે પહોંચી હતી. રાજકોટમાં અલગ અલગ છ જેટલા સ્થળોએ આ બસોનો પાર્કિંગ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાનને આવકાર: રાજકોટ ખાતે યોજાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા હળવદથી આવેલા રાજેશ પટેલે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવ્યા છીએ. રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય તેમને વધારવા માટે સૌરાષ્ટ્ર ભરના અલગ અલગ જિલ્લાઓના મહામંત્રીઓ, કાર્યકર્તાઓ પદાઅધિકારીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેના પગલે અમે મોરબી જિલ્લાના હળવદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે રાજકોટના કાર્યક્રમમાં આવ્યા છીએ.
'અમે સવારે 10:00 વાગ્યાની આસપાસ હળવદથી એસટી બસમાં નીકળ્યા હતા અને ટંકારા ખાતે અમને જમ્યા હતા અને ત્યારબાદ રાજકોટ ખાતે પહોંચ્યા છીએ. વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા આ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.' -રાજેશ પટેલ, સભામાં આવનાર
સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી આવ્યા લોકો: રાજકોટ ખાતે આવેલા શીવાભાઈએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે દેશના વડાપ્રધાન પધારી રહ્યા હોય ત્યારે ગુજરાતના તમામ જિલ્લા તાલુકાના લોકોને અહીંયા કાર્યક્રમ સ્થળે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી પીએમ મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા આવતા કાર્યકર્તાઓને નેતાઓ માટે વહીવટી તંત્ર દ્વારા જે તે વિસ્તારમાં જ જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
બસ ઘરે સુધી જશે મુકવા: પીએનો કાર્યક્રમ પૂરો થઈ જશે ત્યારે આ તમામ લોકોને ફરી જે બસમાં તેઓ આવ્યા છે તે જ બસમાં બેસાડીને તેમને રાત્રે રસ્તા પર આવતી હોટેલમાં જમાડીને તેમના ગામે ઉતારવામાં આવશે. વડાપ્રધાન મોદી રાજકોટ ખાતે આવતા હોય તેને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઅર પાટીલ સહિતના નેતાઓ અને કેન્દ્રીય નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રાજકોટ ખાતે પહોંચ્યા છે.