રાજકોટ: તાજેતરમાં જ રાજ્યમાં ડુંગળીના ખેડૂતોને ભાવના મળતા રોવાનો વારો આવ્યો હતો. જેને લઇને રાજ્ય સરકાર દ્વારા ડુંગળી અને બટાકા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા નાફેડ ડુંગળીની ખરીદી કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે નાફેડની ટીમ આવી પહોંચી હતી અને ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. જ્યારે અમુક નીતિ નિયમના આધારે હાલ રાજકોટ યાર્ડમાં ડુંગળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
આજ 7.92 રૂપિયા પ્રતિ કિલો ડુંગળીનો ભાવ : રાજકોટ યાર્ડમાં ડુંગળીની ખરીદી કરી રહેલા નાફેડ ટીમના કર્મચારી સિદ્ધાર્થ સૌંદરવાએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે તે માટે આજથી રાજકોટ યાર્ડ ખાતે ડુંગળીની ખરીદીની શરૂ કરવામાં આવી છે. જ્યાં સુધી ડુંગળી સારા પ્રમાણમાં ખેડૂતો લઈને વેચવા આવશે. ત્યાં સુધી નાફેડ દ્વારા આ ડુંગળીની ખરીદી શરૂ રાખવામાં આવશે. જ્યારે આજે નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલી ડુંગળીનો ભાવ 7.92 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે. અગાઉ જે ડુંગળી બે રૂપિયા પ્રતિ કિલો એના ભાવે વેચાતી હતી તે 7.92 પ્રતિ કિલોના ભાવે આજે નાફેડમાં વેચાઈ રહી છે.
45 MM અને ક્વોલિટીવાળી જ ડુંગળીની ખરીદી : નાફેડના કર્મચારીએ વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને અહીંયા ડુંગળી વેચવા આવતા ખેડૂતોને આધાર કાર્ડ, 7-12, 8 અ, કેન્સલ ચેક, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા અને 12 નંબર વાવેતરનો દાખલો સહિતના જે કાંઈ પણ ડોક્યુમેન્ટ હશે તે લઈને આવવું જોશે. આ સાથે જ સારી ક્વોલિટીની જે ડુંગળી હશે અને 45 એમએમની ડુંગળી હશે તેની ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવશે અને તેમને જે કંઈ ભાવ ચાલતો હશે તે આપવામાં આવશે.
આ પણ વાંચો Kharif Onion in Gujarat: નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી કરશે શરૂ
નાફેડ સારી ક્વોલિટીની જ ડુંગળી ખરીદે છે : ખેડૂત નાફેડ દ્વારા આજે ડુંગરીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે આ અંગે રાજકોટ યાર્ડ ખાતે ડુંગળી વેચવા આવેલા ખેડૂતે જયંતીભાઈ બીજલકાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં આજે ખુલ્લા બજારમાં ડુંગળીને વેંચી છે. જ્યારે મને ડુંગળીના 97 રૂપિયા ભાવ મળ્યા છે. નાફેડ દ્વારા આજથી ખરીદી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ નહોતી. જ્યારે હાલમાં નાફેડ જે ભાવ આપી રહી છે તેને લઈને એક પણ ખેડૂતોને પોતાના ખર્ચાના પૈસા પણ નીકળી શકે તેમ નથી. તેમજ ડુંગળીના ઓછામાં ઓછા 300થી 350 રૂપિયા ભાવ મળે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. આ સાથે જ નાફેડ દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે. તેમાં ક્વોલિટીનો જ માલ લેવામાં આવે છે. જ્યારે અમારો રિજેક્ટ કરેલો માલ અમારે કચરામાં નાખવાનો વારો આવે તેવી પરિસ્થિતિ છે.