રાજકોટઃ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને વધુ એક સફળતા મળી છે. હાલ કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે લોકડાઉનમાં રાજ્યમાં તમાકુ યુક્ત પદાર્થો વહેંચવાની મનાઈ છે. પરંતુ કેટલાક જિલ્લાઓમાં પોલીસની મીઠી નજર હેઠળ તમાકુ યુક્ત પદાર્થો, બીડી સહિતનું બમણા ભાવે વેચાણ થઈ રહ્યું છે.
લોકડાઉન દરમિયાન રાજકોટના રૈયા રોડ નજીક છોટુનગર શેરી નંબર-5માં આવેલી પ્રાથમિક શાળા નંબર 60 નજીકથી એસઓજીએ બાતમીના આધારે ઉમેશ ગોપાલ સારંગ નામના ઈસમને તમાકુના 12 કોથળા સાથે ઝડપી પાડ્યો છે. આ કોથળામાંથી કુલ 180 કિલોગ્રામ જેટલું તમાકુ મળી આવી છે. જેની કિંમત આશરે રૂપિયા 90 હજાર જેટલી થવા પામી છે.
આ અંતર્ગત એસઓજીએ ઈસમને ઝડપી પાડીને ગાંધીગ્રામ પોલીસ મથકને સોંપ્યો હતો. હાલ આ મામલે રાજકોટની ગાંધીગ્રામ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.