રાજકોટ: એક નવજાત બાળકી માટે મધર્સ ડે નો દિવસ કરુણતા લઈને આવ્યો હોય તેમ સિવિલ હોસ્પિટલના અનામી પારણા તેને ત્યજી દેવાતા તબીબો પણ ચોંકી ઉઠ્યા છે. મધર્સ ડેના દિવસે જ્યારે બાળકો તેમની માતાના વાત્સલ્યને વધાવતા હોય ત્યારે આ દીકરી તેની માતાના પ્રેમ અને હુંફથી અળગી થઈ ગઈ છે. ફૂલ જેવી કોમળ આ બાળકીના રુદનથી આખી હોસ્પિટલ વ્યથિત થઈ ગઈ હતી.
ત્રણ દિવસની બાળકી ત્યજીને પુરુષ ફરાર: આ નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. ફૂલ જેવી કોમળ આ બાળકી અત્યારે વાત્સલ્ય માટે ઝંખે છે. આ મામલે સિવિલ ચોકી પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે. રાત્રીના એક પુરુષ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો તેના હાથમાં આ ત્રણ દિવસની નવજાત બાળકી હતી અને તે સિવિલ હોસ્પીટલનાં બાળ વિભાગમાં આવ્યો હતો જ્યાં અનામી પારણામાં તેણે આ ત્રણ દિવસની બાળકીને મૂકી દીધી હતી અને ત્યાંથી આ પુરુષ ફરાર થયો હતો.
બાળકી દેખરેખ હેઠળ: આ ઘટનાની જાણ કે ટી શેઠ બાળકોની હોસ્પિટલના સ્ટાફને થતા તેમને તાત્કાલિક આ બાળકીને સારવાર માટે ખસેડી હતી અને તેમને સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ડોક્ટર, નર્સ સહિતના સ્ટાફ દ્વારા બાળકીની દેખરેખ પણ કરવામાં આવી રહી છે. આ ઘટના સામે આવતા જ સૌ કોઈ લોકોમાં બાળકી પ્રત્યે દયાની ભાવના જાગતી હતી. તો બાળકીના માતા પિતા પ્રત્યે ધૃણાની લાગણી પણ લોકોમાં જોવા મળતી હતી. સૌ કોઈ બાળકીને લઈને ચિંતા જોવા મળી હતી.
અનામી પારણું: વર્તમાન સમયમાં સમાજમાં અવાર-નવાર નવજાત બાળકોને અવાવરૂ જગ્યાએ તરછોડી દેવાયેલા જોવા મળે છે. ત્યજાયેલા બાળકની સુરક્ષા અને સલામતી જળવાય તે અર્થે આજથી બે વર્ષ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્થિત કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં અનામી પારણું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં બાળકને પારણાંમાં મુકી બેલની સ્વિચ દબાવતા સમાજ સુરક્ષા વિભાગને તુરંત જાણ થશે.
અનામી પારણું કેવી રીતે કરે છે કામ?: આ અનામી પારણામાં બાળકને મુકી બેલની સ્વિચ દબાવતા હોસ્પીટલ સ્થીત સ્ટાફ દ્વારા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમને જાણ કરવામાં આવે છે. જે બાદ સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એેકમ દ્વારા બાળકલ્યાણ સમીતીની અનુમતી મેળવી તેને કાઠીયાવાડ બાલાશ્રમ સંસ્થાને સુપ્રત કરવામાં આવશે. આવા બાળકને દત્તક લેવા ઇચ્છુક પરિવારને જરૂરી કાયદાકીય કાર્યવાહિ કરી સોંપવામાં આવશે. આમ ત્યજાયેલા શિશુની સારસંભાળ સાથે તેના વિકાસ અને શ્રેષ્ઠ ઉછેરની તકો ઉપલબ્ધ બનશે તેવી પણ વિગતો સામે આવી છે.