રાજકોટના મોટામોવા ખાતે દિલીપ પરબતભાઈ ગોઢાણીયાએ ચાર માસ અગાઉ દોલુભા વાધેર પાસેથી પ્લોટની જમીન ખરીદી હતી, ત્યારબાદ પ્લોટ બાબતે વાંધા અરજી થતા પ્લોટની ખરીદી કરનાર દિલીપભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાની શંકા ગઈ હતી. જેને લઈને દિલીપ અન્ય ત્રણ સાગરીતોએ સાથે મળીને દોલુભાનું રાજકોટના હોસ્પિટલ ચોક નજીકથી અપહરણ કર્યું હતું અને જામનગર જિલ્લાના ચંગા ગામ ખાતે આવેલી એક વાડીમાં તેમને ગોંધી રાખ્યા હતાં.
અપહરણકારો દ્વારા દોલુભાની પત્નીને ફોન કરી 35 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જો રૂપિયા નહીં આપવામાં આવે તો દોલુભાને મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. જો કે, દોલુભાના પરિજનો દ્વારા તાત્કાલિક રૂપિયા આપવાની જાણ કરવામાં આવી અને ત્યારબાદ સમગ્ર મામલે પોલીસની મદદ માગવામાં આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા પણ અલગ-અલગ ટીમ બનાવવામાં આવી હતી.
પ્લાનીંગ મુજબ આરોપીઓ જ્યારે ખંડણીના રૂપિયા લેવા આવ્યાં ત્યારે તેને ઝડપી પાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોપીઓ જેવા જ દોલુભાને લઈને રાજકોટ ખાતે કારમાં આવ્યાંં ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ચાર આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.